અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને ATSએ સંયુક્ત ઓપરેશનમાં આંતરરાજ્ય બાળ તસ્કરીના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદ એરપોર્ટ પાસેથી પોલીસને એક ગાડીમાંથી નવજાત બાળક રેસ્ક્યૂ થયો હતો. તપાસમાં સામે આવ્યું કે આ બાળકને હિંમતનગરના મુન્ના પાસેથી ચાર શખસ 3.60 લાખ રૂપિયામાં ખરીદી હૈદરાબાદ મોકલવા જઈ રહ્યા હતા.
પોલીસે હૈદરાબાદના રોશન અગ્રવાલ, યુપીના સુમિત યાદવ, અમદાવાદની વંદના પંચાલ અને કારના ડ્રાઇવર મૌલિક દવેને ઝડપી લીધા છે. મુંન્ના અને હૈદરાબાદના નાગરાજ હજુ ફરાર છે અને તેમની શોધખોળ ચાલુ છે. નવજાત બાળક તાત્કાલિક ચાઇલ્ડ હેલ્થ ઓફિસરને સોંપવામાં આવ્યો છે.
આ પહેલાં અમદાવાદ ગ્રામ્ય પોલીસે છત્રપતિ સંભાજી નગર અને ધોળકા વિસ્તારમાં બાળકોની તસ્કરી કરતા ગેંગનો પર્દાફાશ કર્યો હતો. 7 મહિનાની બાળકીના અપહરણ બાદ એક મહિલા સહિત 4 આરોપીઓને ધરપકડ કરવામાં આવી હતી. તપાસમાં જાણવા મળ્યું કે ગેંગ ધોળકા અને મહારાષ્ટ્રમાં બાળકોનું અપહરણ અને વેચાણ કરતી હતી.
અપહરણની વિગત અનુસાર, ધોળકાના ગરીબ મજૂર પરિવારમાં 7 મહિનાની બાળકી અચાનક ગુમ થઈ ગઈ હતી. માતાપિતાએ તપાસ અને ગુમ થયાની ફરિયાદ બાદ પોલીસને માહિતી મળી કે આ એક મોટા આંતરરાજ્ય બાળ તસ્કરી રેકેટનો ભાગ છે. CCTV ફૂટેજ અને લોકોના નિવેદનોના આધારે પોલીસે તપાસ શરૂ કરી અને રેકેટનો પર્દાફાશ કર્યો.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ બાળકીનું અપહરણ કરીને તેને ઔરંગાબાદ લઈ જવામાં આવી હતી. આ કૌભાંડમાં કુલ 4 લોકો સંડોવાયેલા હતા, જેમાં 1 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થાય છે. આ ગેંગની મુખ્ય સૂત્રધાર એક મહિલા નર્સ હોવાનું બહાર આવ્યું છે. તે ધોળકાના એક IVF સેન્ટરમાં કામ કરતી હતી. આ કૌભાંડમાં છત્રપતિ સંભાજીનગર (ઔરંગાબાદ)ની એક નર્સ પણ સામેલ હતી, જેણે બાળકીને ખરીદી હતી.
પોલીસે છત્રપતિ સંભાજીનગરથી તમામ આરોપીઓને ઝડપી પાડ્યા
પોલીસે તત્કાળ કાર્યવાહી કરી છત્રપતિ સંભાજીનગર પહોંચીને તમામ આરોપીઓને ઝડપી પાડ્યા હતાં અને બાળકીને તેમના પંજામાંથી છોડાવી તેના પરિવાર સાથે ફરી મિલન કરાવ્યું હતું. આ ઘટનાએ IVF સેન્ટરોની કામગીરી અને આવા સેન્ટરોમાં કામ કરતા લોકોની ભૂમિકા પર પણ સવાલો ઉભા કર્યા હતાં.
આ કેસમાં ઝડપાયેલા આરોપીઓના નામ
- જયેશ રાઠોડ
- વિમલ સોલંકી
- મનીષા સોલંકી (ધોળકાના એક IVF સેન્ટરમાં કામ કરતી નર્સ)
- જગતાપ