Monday, Dec 8, 2025

સતત સાતમા દિવસે ઈન્ડિગો સંકટ યથાવત્, 450થી વધુ ફ્લાઈટ કેન્સલ

3 Min Read

દેશભરના મુખ્ય એરપોર્ટ પર IndiGoની ફ્લાઇટ સેવાઓ આજ પણ સામાન્ય થઈ શકી નથી. સતત સાતમા દિવસે મોટા પાયે ફ્લાઇટ્સ રદ્દ થવા અને વિલંબિત થવાનો સિલસિલો યથાવત્ જોવા મળી રહ્યો છે, જેના કારણે લાખો મુસાફરો હાલાકી ભોગવી રહ્યા છે. ભારતના હવાઈ મુસાફરીના ઇતિહાસમાં આટલા મોટા પાયે સર્જાયેલું સંકટ અગાઉ ક્યારેય જોવા મળ્યું નથી. આ સંકટને કારણે સોમવારે વિવિધ એરપોર્ટ પર લગભગ 4350 જેટલી IndiGoની ફ્લાઇટ્સ રદ્દ કરવી પડી છે, જે દર્શાવે છે કે પરિસ્થિતિ કેટલી ગંભીર છે.

આ સંકટની સૌથી વધુ અસર મુખ્ય એરપોર્ટ પર જોવા મળી રહી છે. સોમવારે સવાર સુધીમાં જ કુલ 289 ફ્લાઇટ્સ રદ્દ થયાની પુષ્ટિ થઈ હતી, જે આંકડો સવારે 10:30 વાગ્યા સુધીમાં 456 પર પહોંચી ગયો હતો. દિલ્હી એરપોર્ટ (IGI) પર આજે 134 ફ્લાઇટ્સ (75 ડિપાર્ચર અને 59 અરાઇવલ) રદ્દ કરવામાં આવી હતી, જ્યારે બેંગ્લોર એરપોર્ટ પર પણ 127 ફ્લાઇટ્સ રદ્દ થઈ છે. ચેન્નઈમાં 71 અને હૈદરાબાદમાં 77 ફ્લાઇટ્સ રદ્દ થઈ હોવાના અહેવાલ છે. ગુજરાતના અમદાવાદ એરપોર્ટ પર 20 ફ્લાઇટ્સ અને જમ્મુમાં પણ 20 ફ્લાઇટ્સ ગ્રાઉન્ડ રહેતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા હતા. મુંબઈ અને કોલકાતા સહિત અન્ય મોટા એરપોર્ટ્સ પર પણ ઓપરેશન્સમાં મોટો અવરોધ જોવા મળી રહ્યો હતો.

એરલાઇન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ સંકટનું મુખ્ય કારણ ફ્લાઇટ ડ્યૂટી ટાઇમ લિમિટેશન્સ (FDTL) નિયમોનું સંપૂર્ણ અમલીકરણ છે. પાયલટોના આરામ અંગેના સરકારી નિયમો (FDTL) સખત રીતે લાગુ થતાં કોકપિટ ક્રૂ (પાયલટ)ની મોટા પાયે અછત સર્જાઈ છે. પાયલટની અછતને કારણે ફ્લાઇટ્સ મોટા પાયે રદ્દ કરવી પડી, જેના પરિણામે મુખ્ય એરપોર્ટ પર સંપૂર્ણ અરાજકતા ફેલાઈ ગઈ. જોકે, અધિકારીઓના જણાવ્યા મુજબ, પ્રભાવિત યાત્રીઓને અત્યાર સુધીમાં ₹610 કરોડથી વધુનું ટિકિટ રિફંડ જારી કરવામાં આવ્યું છે.

આ સંકટની ગંભીરતા જોતાં સરકારે તાત્કાલિક હસ્તક્ષેપ કર્યો છે. મંત્રાલયે એરલાઇનને એર ફેયર (હવાઈ ભાડા)ની મર્યાદા નક્કી કરવા અને રિફંડ પ્રક્રિયાને ઝડપી બનાવવા માટે નિર્દેશ આપ્યા છે. સરકારે દબાણ વધારતા IndiGoએ શનિવાર સુધીમાં ₹610 કરોડનું રિફંડ પ્રોસેસ કરીને 3000 મુસાફરો સુધી પહોંચાડ્યું છે. ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ સ્પષ્ટ કર્યું છે કે જવાબદારી સંપૂર્ણપણે એરલાઇનની છે, કારણ કે પાયલટ ડ્યૂટી સંબંધિત નિર્દેશો એક વર્ષ પહેલા જાહેર કરવામાં આવ્યા હતા. હાલમાં, આ સંકટની ઉચ્ચ-સ્તરીય તપાસ શરૂ કરવામાં આવી છે અને 10 ડિસેમ્બર સુધીમાં આ સંકટ ઓછું થવાની સંભાવના સેવાઈ રહી છે.

Share This Article