ઈન્ડિગોની ફ્લાઈટ કેન્સલ થવાનો સિલસિલો હજી પણ યથાવત જ છે. ત્યારે અમદાવાદ શહેરમાં આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇન્ડિગો એરલાઇન્સની 12 ફ્લાઇટ કેન્સલ થતા મુસાફરો ફરી એકવાર અટવાયા છે.
અમદાવાદ આવતી અને જતી ઇન્ડિગોની કુલ 12 ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ ફ્લાઇટો રદ થવા પાછળનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી, પરંતુ આ સતત રદીકરણના કારણે અનેક મુસાફરોના પ્રવાસ કાર્યક્રમો ખોરવાયા છે. ફ્લાઇટ રદ થવાથી મુસાફરોને વૈકલ્પિક વ્યવસ્થા અને રિફંડ માટે લાંબી રાહ જોવી પડી રહી છે. ઇન્ડિગો તરફથી આ સમસ્યાના કાયમી ઉકેલ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ઈન્ડિગોની ફ્લાઈટો રદ્દ થવાની માહિતી સામે આવી રહી છે. જેના કારણે મોટા ભાગના મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જયારે હજી પણ મોટા ભાગના એરપોર્ટ પર ફ્લાઈટ રદ્દ થવાનો સિલસિલો યથાવત જ રહ્યો છે.