Tuesday, Nov 4, 2025

કૅનેડામાં સ્ટુડન્ટ વીઝા માટે ભારતીયોને ઝટકો: વિદ્યાર્થીઓની 75% અરજીઓ રદ

2 Min Read

ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસમાં ઈમિગ્રેશનના નિયમો કડક બનવવામાં આવ્યા છે, જેને કારણે યુએસમાં અભ્યાસ કે કામ કરવા જવા ઇચ્છતા હજારો ભારતીયોને અસર પહોંચી છે. જેને કારણે ભારતીયો કેનેડા તરફ નજર રાખી રહ્યા છે, પરંતુ કનેડા તરફથી ભારતીયોની અરજી નકારવામાં આવી રહી છે.

એક અહેવાલ મુજબ ઓગસ્ટમાં કેનેડિયન શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે ભારતીયો દ્વારા કરવામાં આવેલી લગભગ 75% અરજીઓ નકારી કાઢવામાં આવી છે. કનેડા સરકારના ડેટા અનુસાર, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર લાગુ કરવામાં આવેલા નવા પ્રતિબંધોની સૌથી વધુ અસર ભારતના અરજદારો પર થઇ છે.

ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા ઘણાં સમયથી રાજદ્વારી તણાવ ચાલી રહ્યો છે, હાલ સંબંધો સુધારવા માટે પ્રયસો કરવામાં આવી રહ્યા છે, ત્યારે આ ઉંચો રિજેક્શન રેટ ચિંતાજનક છે.

નિયમો કડક બનાવવામાં આવ્યા:
નોંધનીય છે કે, કેનેડા સરકાર ટૂંકા ગાળાનું ઈમિગ્રેશન રોકવા અને સ્ટુડન્ટ વિઝામાં છેતરપિંડીને ઘટાડવા માટે પગલા ભરી રહી છે, જેના ભાગ રૂપે 2025 ની શરૂઆતમાં સતત બીજા વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી પરમિટની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ચકાસણી પ્રક્રિયા કડક બનાવી છે અને અરજદારો માટે ફાઇનાન્સિયલ રિક્વાયરમેન્ટમાં વધારો કર્યો છે.

રિજેક્શન રેટ વધ્યો:
કેનેડાની પોસ્ટ-સેકન્ડરી સંસ્થાઓમાં અભ્યાસ કરવા માટે ભારતીયોની અરજી નકારવાનો દર ઓગસ્ટ 2023 માં 32% હતો, આ વર્ષે ઓગસ્ટ મહિનામાં વધીને લગભગ 74% થઇ ગયો છે.

આંકડા એ પણ દર્શાવે છે કે કેનેડામાં સ્ટડી પરમિટ માટે અરજી કરનારા ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ મોટો ઘટાડો થયો છે. ઓગસ્ટ 2023 માં 20,900 ભારતીયોએ કેનેડામાં સ્ટડી પરમિટ માટે અરજી કરી હતી, જે ઘટીને ઓગસ્ટ 2025 માં 4,515 થઈ ગઈ હતી.

નકલી દસ્તાવેજો સાથેની અરજીઓ:
કનેડાના ઇમિગ્રેશન વિભાગના જણાવ્યા મુજબ વર્ષ 2023 માં લગભગ 1,550 સ્ટડી એપ્લીકેશન માટે નકલી લેટર સબમિટ કરવામાં આવ્યા હતાં, જેમાંથી મોટાભાગની અરજીઓ ભારતથી આવી હતી..

ઓટાવામાં ભારતીય દૂતાવાસે રિજેક્શન રેટ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે ભારતીય વિદ્યાર્થીઓની અરજીઓના નકારવાના દરમાં વધારો થયો હોવાની તેમણે જાણ છે, પરંતુ પરમિટ આપવાનો અધિકાર સંપૂર્ણ રીતે કેનેડા પાસે છે.

Share This Article