સ્ટડી વિઝા પર રશિયા ગયેલા ઉત્તરાખંડના એક વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મોત થતા તેનો મૃતદેહ વતન પરત લાવવામાં આવ્યો છે. મૃતક યુવાન ઉધમસિંહ નગર જિલ્લાના શક્તિફાર્મ વિસ્તારનો રહેવાસી હતો. યુવાનના મોતના સમાચારથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે, જોકે મૃત્યુના કારણોને લઈને રહસ્ય અકબંધ છે.
શું છે સમગ્ર મામલો?
મૃતક યુવાન રાકેશ કુમાર(30 વર્ષ) ગત ઑગસ્ટ મહિનામાં જ ઉચ્ચ અભ્યાસ માટે રશિયા ગયો હતો. રાકેશના ભાઈ દીપુ મૌર્યના જણાવ્યા અનુસાર, રશિયા પહોંચ્યા બાદ રાકેશે ફોન પર જણાવ્યું હતું કે તે ત્યાં ખૂબ જ કપરી પરિસ્થિતિમાં છે.
પરિવારનો આરોપ છે કે રાકેશને રશિયામાં જબરદસ્તીથી સેનામાં ભરતી કરી લેવામાં આવ્યો હતો. 30 ઑગસ્ટે રાકેશ સાથે છેલ્લી વાર વાત થઈ હતી, જેમાં તેણે ડર વ્યક્ત કર્યો હતો કે તેને ટ્રેનિંગ આપીને યુક્રેન સામેના યુદ્ધમાં મોકલવામાં આવી રહ્યો છે. રાકેશે રશિયન સેનાના યુનિફોર્મમાં પોતાના ફોટોઝ પણ પરિવારને મોકલ્યા હતા. આ મામલે પરિવારે અગાઉ ભારત સરકાર અને વિદેશ મંત્રાલયને પત્ર લખીને તેને બચાવવા આજીજી કરી હતી.
રાકેશનું મોત યુક્રેન યુદ્ધ દરમિયાન થયું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે, પરંતુ વહીવટી તંત્ર કે પોલીસ અધિકારીઓ આ અંગે સત્તાવાર રીતે કંઈ પણ બોલવાનું ટાળી રહ્યા છે. મૃતદેહ જ્યારે ઘરે પહોંચ્યો ત્યારે પરિવારે મીડિયા અને સ્થાનિક લોકપ્રતિનિધિઓ સાથે વાત કરવાની ના પાડી દીધી હતી અને ભારે આક્રોશ પણ જોવા મળ્યો હતો.