કેનેડામાં એક ભારતીય વિદ્યાર્થીનીનું અકસ્માતે મૃત્યુ થયું છે. જેમાં ભારતીય વિદ્યાર્થીની કામ પર જવા માટે બસ સ્ટોપ ઉભી હતી ત્યારે તેની ગોળી વાગતા મોત થયું છે. જેમાં એક કારની અંદરથી અંધાધૂંધ ગોળીબાર થયો અને એક ગોળી વિદ્યાર્થીનીને વાગી હતી. આ મૃતક યુવતીની ઓળખ 21 વર્ષીય હરસિમરત રંધાવા તરીકે થઈ છે. તે ઓન્ટારિયોના હેમિલ્ટનમાં મોહૌક કોલેજમાં વિદ્યાર્થીની હતી.
હેમિલ્ટન પોલીસ બુધવારે થયેલા ઘટનાની તપાસ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે મૃતક વિદ્યાર્થીની નિર્દોષ હતી. આ બાબતે વધુ માહિતી આપતાં ટોરોન્ટોમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે શુક્રવારે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, ‘ઓન્ટારિયોના હેમિલ્ટનમાં ભારતીય વિદ્યાર્થીની હરસિમરત રંધાવાના મૃત્યુથી બધા ખૂબ જ દુઃખી છીએ.’
પોલીસે જણાવ્યું હતું કે તેમને સ્થાનિક સમય મુજબ સાંજે 7.30 વાગ્યે હેમિલ્ટનમાં અપર જેમ્સ અને સાઉથ બેન્ડ રોડ નજીક ગોળીબારના અહેવાલ મળ્યા હતા. જ્યારે પોલીસ ત્યાં પહોંચી ત્યારે તેમને રંધાવા છાતીમાં ગોળીના ઘા સાથે ઘાયલ હાલતમાં હતી. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી પરંતુ તેનું મોત નીપજ્યું.