Sunday, Oct 26, 2025

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની હત્યા

2 Min Read

અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે. તાજેતરની ઘટનામાં તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાંથી અમેરિકા ભણવા ગયેલા એક વિદ્યાર્થીની ગોળી મારી હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકની ઓળખ જી.પ્રવીણ (26) તરીકે થઇ છે. પ્રવીણ વિસ્કોન્સિનના મિલ્વોકીમાં એમ.એસ.નો અભ્યાસ કરી રહ્યો હતો અને તે એક સ્ટોરમાં પાર્ટ ટાઈમ નોકરી કરતો હતો.

આ ઘટના બુધવારે સવારે બની હતી જેના બાદ અમેરિકાના અધિકારીઓએ પ્રવીણના પરિજનોને તેની જાણકારી આપી હતી. પીડિતના પિતા રાઘવુલુએ કહ્યું કે મને સવારે 5 વાગ્યે એક વોટ્સએપ કોલ આવ્યો હતો પણ મેં તે ન ઉપાડ્યો. પછી સવારે મેં મિસ્ડ કૉલ જોઈને વોઈસ મેસેજ મોકલ્યો. કલાક વીતી જવા છતાં કોઈ જવાબ ન મળ્યો તો મને ચિંતા થવા લાગી અને પછી મેં મારા દીકરાના મિત્રોને કોલ કર્યો. ત્યારે મને જાણકારી મળી કે મારો દીકરો એક સ્ટોર પર પાર્ટ ટાઈમ નોકરી માટે ગયો હતો અને લૂંટફાટની ઘટના વખતે લૂંટારૂઓએ તેને ગોળી મારી દીધી. જેના કારણે મારા દીકરાનું મોત નીપજ્યું.

અમેરિકામાં તેલંગાણાના વિદ્યાર્થીની આ પહેલી હત્યા નથી. છેલ્લા પાંચ મહિનામાં આ ત્રીજી ઘટના છે. નવેમ્બર 2024માં ખમ્મમ જિલ્લાના એક વિદ્યાર્થી અને જાન્યુઆરી 2025માં હૈદરાબાદના એક વિદ્યાર્થીની પણ ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ ઘટનાઓએ અમેરિકામાં અભ્યાસ કરતા અને કામ કરતા ભારતીય વિદ્યાર્થીઓની સલામતી અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Share This Article