ગલ્ફમાં ઈરાન પર અમેરિકા અને ઈઝરાયેલના આક્રમણ વચ્ચે ભારતમાં ક્રુડતેલ અને રાંધણગેસ સહિતના ગેસના પુરવઠાની સર્જાયેલી તંગીમાં હવે આગામી દિવસોમાં રાહતના સમાચાર છે. ઈરાને હાર્મુઝ જળમાર્ગ બંધ કરતા ખાડીના દેશોમાંથી આવતા ભારતના ગેસ અને ક્રુડ ટેન્કર દરિયામાં યુદ્ધના માહોલ વચ્ચે ફસાઈ ગયા હતા.
પરંતુ ભારત સરકારે ઈરાન સાથે વાતચીત કરતા જ હવે ભારતીય ફલેટ ધરાવતા જહાજોને હાર્મુઝ જળમાર્ગમાંથી પસાર થવાની મંજુરી આપ્યા બાદ બે એલપીજી ટેન્કર શિવાલીક અને નંદાદેવી હોર્મુજ જળમાર્ગ પસાર કરીને ભારત આવવા રવાના થઈ ગયા છે અને શિવાલીકમાં 40 હજાર મેટ્રીક ટન એલપીજી લાવવામાં આવી રહ્યું છે.
જયારે નંદાદેવીમાં 46 હજાર મેટ્રીક ટન એલપીજી ભારત પહોંચશે. ઈરાને ભારતીય જહાજોને મંજુરી આપ્યા બાદ આ વિસ્તારમાં તૈનાત ભારતીય નૌકાદળના જહાજ આઈએનએસ સુરત અને અન્ય નૌકાદળ જહાજોએ એક બાદ એક એમ બન્ને ભારતીય જહાજોને હોર્મુઝ જળમાર્ગ પસાર કરાવીને સલામત દરિયા સુધી પહોંચાડી દીધા છે અને તે હવે કંડલા બંદરો લાંગરે તેવા સંકેત છે.
આમ દેશમાં એલપીજી કટોકટી વચ્ચે મોટા જથ્થામાં રાંધણગેસ ભારત પહોંચી રહ્યો છે અને હજુ ખાડીના દેશોમાં અગાઉના ઓર્ડરના એલપીજી ટેન્કર હાલ લાંગરેલા પડયા છે તેમને પણ સલામત રીતે હાર્મુઝ જળમાર્ગ પસાર કરાવવા નૌકાદળે તૈયારી કરી છે.