Sunday, Oct 26, 2025

ટ્રમ્પની ટીમમાં ભારતીય-અમેરિકન પ્રભાવ વધ્યો

2 Min Read

અમેરિકામાં છેલ્લા ઘણા સમયથી ભારતીયો પ્રત્યે નફરત વધી છે. ઘણા ભારતીયોને હેટ ક્રાઈમનો શિકાર બનવું પડ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે કાશ પટેલને FBIના ડિરેક્ટર બનાવાય ત્યારે પણ તેમની સામે ઘણા સવાલો ઉઠ્યા હતા. ત્યારે હવે વધુ એક ભારતીય-અમેરિકનને ટ્રમ્પ પોતાની ટીમમાં સમાવવાનું ગ્રાઉન્ડ તૈયાર કરી રહ્યા છે. ભારતીય મૂળના હૈરી કુમારને ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના નવા આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે નોમિનેટ કર્યા છે. જો તેમના નામને મંજૂરી મળી જશે તો ટ્રમ્પની ટીમમાં વધુ એક ભારતી-અમેરિકનને મહત્વનું પદ મળવાની શક્યતા છે.

અમેરિકાની સંસદ (કોંગ્રેસ)ની સત્તાવાર વેબસાઈટ મુજબ, તેમનું નોમિનેશન માર્ચ 10, 2025એ કરાયું હતું. કોંગ્રેસને ઘણી એપોઈન્ટમેન્ટ સોંપવામાં આવી છે અને તેમાં હૈરી કુમારનું નામ પણ સામેલ છે. હૈરી કુમારના નોમિનેશનને જો મંજૂરી મળી જશે તો તેઓ સૂજી ફેલિજનું સ્થાન લેશે અને અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સમાં દેશની અર્થવ્યવસ્થા, બિઝનેસ અને પ્રોફેશન્સના વિકાસ સંબંધિત મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં મદદ કરશે. તેઓ હાલમાં અમેરિકાના કોમર્સ મિનિસ્ટરના સીનિયર એડવાઈઝર તરીકે કામ કરી રહ્યા છે.

હૈરી કુમારે કેપિટલ હિલમાં રિપ્રેઝન્ટેટિવ રૅન્ડી વેબર માટે લેજિસ્લેટિવ કાઉન્સેલ તરીકે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. તેમણે સેનેટર માર્કો રૂબિયાના પોલિસી એડવાઈઝર તરીકે પણ કામ કર્યું છે. એ ઉપરાંત, તેઓ લી-સાયકલ નામની કંપનીમાં ગવર્મેન્ટ રિલેશન ડિરેક્ટર તરીકે સેવા આપી ચુક્યા છે.

હૈરી કુમારના નોમિનેશન પર કોમર્સ, સાયન્સ અને ટ્રાન્સપોર્ટ મામલાની સેનેટ સમિતિ હાલમાં સમીક્ષા કરી રહી છે. તેમનું નામ સેનેટ એક્ઝિક્યુટિવ કેલેન્ડર પર દાખલ કરવામાં આવ્યું છે. જો તેમના નામને સંસદથી મંજૂરી મળશે, તો ટ્રમ્પની ટીમમાં વધુ એક ભારતીય મૂળના નેતા મહત્વનું પદ સંભાળશે.

Share This Article