ભારતે વૈશ્વિક વેપાર મોરચે પર એક વધુ મોટી કૂટનીતિક સફળતા મેળવી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યુ ઝીલેન્ડના વડા પ્રધાન ક્રિસ્ટોફર લક્સન વચ્ચે થયેલી ટેલિફોનિક વાતચીતમાં ભારત–ન્યુ ઝીલેન્ડ દ્વારા મુક્ત વેપાર કરાર (FTA)ની સંયુક્ત જાહેરાત કરવામાં આવી છે. આ કરાર માત્ર બંને દેશોના આર્થિક સંબંધોને નવી ઊંચાઈ આપશે નહીં, પરંતુ અમેરિકાની સંરક્ષણવાદી વેપાર નીતિઓના સમયમાં ભારતની વૈકલ્પિક વૈશ્વિક ભાગીદારીઓને પણ મજબૂત બનાવશે.
નવ મહિનામાં પૂર્ણ થયેલો ઐતિહાસિક કરાર
ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે FTA અંગેની વાતચીત માર્ચ 2025માં શરૂ થઈ હતી, જ્યારે વડા પ્રધાન લક્સન ભારતની મુલાકાતે આવ્યા હતા. માત્ર નવ મહિનાના રેકોર્ડ સમયમાં આ મુક્ત વેપાર કરાર પૂર્ણ થવો એ બંને દેશોની રાજકીય ઇચ્છાશક્તિ અને વ્યૂહાત્મક સમજને દર્શાવે છે.
પાંચ વર્ષમાં વેપાર બે ગણો કરવાનું લક્ષ્ય
બંને નેતાઓએ સહમતી વ્યક્ત કરી છે કે FTA અમલમાં આવ્યા બાદ આગામી પાંચ વર્ષમાં વર્તમાન દ્વિપક્ષી વેપારને બે ગણો કરવામાં આવશે. આ કરારથી ભારત અને ન્યુ ઝીલેન્ડ વચ્ચે વેપાર, રોકાણ, સંશોધન અને સપ્લાય ચેન સહયોગને નવી ગતિ મળશે.
15 વર્ષમાં ભારતમાં 20 મિલિયન ડોલરનું રોકાણ
આ કરાર હેઠળ ન્યુ ઝીલેન્ડ આગામી 15 વર્ષમાં ભારતમાં 20 મિલિયન ડોલરનું રોકાણ કરશે. આ રોકાણ કૃષિ, ડેરી, ફૂડ પ્રોસેસિંગ, શિક્ષણ, ટેક્નોલોજી અને સ્ટાર્ટઅપ જેવાં ક્ષેત્રોમાં નવી તકો ઊભી કરશે.
ભારતનો સાતમો મોટોં FTA
ન્યુ ઝીલેન્ડ સાથેનો આ કરાર છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતનો સાતમો મહત્વનો FTA છે. તે પહેલાં ભારત ઓમાન, UAE, યુનાઇટેડ કિંગડમ (UK), ઓસ્ટ્રેલિયા, મોરિશિયસ અને EFTA દેશો (યુરોપિયન ફ્રી ટ્રેડ બ્લોક) સાથે આવા કરારો કરી ચૂક્યું છે. આ શ્રેણી બતાવે છે કે ભારત ઝડપથી એક વિશ્વસનીય વૈશ્વિક વેપાર કેન્દ્ર તરીકે ઊભરી રહ્યું છે.
ટ્રમ્પની વેપાર નીતિને પરોક્ષ આંચકો
નિષ્ણાતોના મત મુજબ એવા સમયમાં જ્યારે અમેરિકા—ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્પના રાજકારણમાં—સંરક્ષણવાદ અને ટેરિફ આધારિત વેપાર નીતિઓ પર ભાર મૂકવામાં આવે છે, ત્યારે ભારત સતત નવા FTA કરવું વૈશ્વિક વેપાર માટે એક વૈકલ્પિક અને ખુલ્લું મોડલ રજૂ કરે છે. ભારત–ન્યુ ઝીલેન્ડ FTAને આ દિશામાં એક વધુ મજબૂત પગલું માનવામાં આવે છે.