અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પહેલી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાએ એક ઇનિંગ અને 140 રનની ભવ્ય જીત મેળવી. માત્ર ત્રણ દિવસમાં પૂર્ણ થયેલી આ મેચમાં ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ શાનદાર સદી સાથે બોલિંગમાં ચાર વિકેટ ઝડપી ટીમ ઈન્ડિયાના વિજયમાં અગત્યની ભૂમિકા ભજવી.
ભારતે પ્રથમ ઇનિંગમાં 5 વિકેટે 448 રન બનાવી દાવ જાહેર કર્યો હતો. તેમાં કેએલ રાહુલ (100), ધ્રુવ જુરેલ (125) અને જાડેજા (104*) એ શાનદાર સદી ફટકારી. વેસ્ટ ઈન્ડિઝ પહેલી ઇનિંગમાં માત્ર 162 રનમાં સમેટાઈ જતા ભારતે 286 રનની વિશાળ લીડ મેળવી. બીજી ઇનિંગમાં પણ કેરેબિયન બેટર્સ ભારતીય બોલિંગ સામે ટકી શક્યા નહીં અને આખી ટીમ ફક્ત 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.ભારત તરફથી જાડેજાએ 4 વિકેટ, મોહમ્મદ સિરાજે 3, કુલદીપ યાદવે 2 અને વોશિંગ્ટન સુંદરએ 1 વિકેટ ઝડપી. ભારત માટે આ વિજય માત્ર શ્રેણીનો આરંભ જ નહીં પરંતુ વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ્સ ટેબલમાં મહત્વની એન્ટ્રી પણ છે. હવે 10 ઓક્ટોબરથી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે શ્રેણીની બીજી અને અંતિમ ટેસ્ટ રમાશે, જ્યાં ભારત શ્રેણી ક્લીન સ્વીપ કરવાનો પ્રયત્ન કરશે