Friday, Oct 24, 2025

પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને ‘નારી શક્તિ વંદના’ કાર્યક્રમ યોજાયો

2 Min Read

વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને અમરોલી-છાપરાભાઠા નોર્થ ઝોનમાં શાળા ક્રમાંક ૩૫૨ નગર પ્રાથમિક- વીર મેઘમાયા પ્રાથમિક શાળા ખાતે ઓલપાડ વિધાનસભાનો ‘નારી શક્તિ વંદના‘ કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રીના હસ્તે ઓલપાડ તાલુકાના કુલ ૭ સ્વસહાય જૂથોને રૂ.૫.૨૦ લાખની કેશ ક્રેડિટ સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે વન મંત્રીશ્રીએ નારી શક્તિને વંદન કરતા કહ્યું હતું કે, આજે વિજ્ઞાન, ટેકનોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓ પોતાનું યોગદાન આપી રહી છે. દેશ અને એમાં રાજ્યમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર કન્યા કેળવણી અભિયાન, બેટી બચાવો અભિયાન જેવા પ્રયાસોથી નારીઓના ઉત્થાનમાં નિમિત બની રહી છે. દેશમાં રાજકીય ક્ષેત્રે પણ મહિલાઓનું યોગદાન વધ્યું હોવાનો ઉલ્લેખ તેમણે કર્યો હતો.
વર્તમાન સમયમાં અવકાશ સંશોધન અને રમત-ગમત જેવાં ક્ષેત્રોમાં પણ મહિલાઓ પોતાની ક્ષમતા પૂરવાર કરી રહી છે. સ્ત્રીઓ શક્તિનું સ્વરૂપ છે એટલે આજે મહિલા પુરૂષ સાથે ખભે-ખભા મિલાવીને દરેક ક્ષેત્રે આગળ વધી રહી છે. સ્ત્રીઓ તેમના સમગ્ર જીવન દરમ્યાન પોતાના પરિવાર માટે ખૂબ જ સંઘર્ષ કરતી હોઈ છે. ત્યારે વર્તમાન સમયમાં સ્ત્રીઓના ઉત્થાન માટે લોકો પ્રયત્નશીલ બન્યા છે એમ જણાવી વન મંત્રીશ્રીએ સ્વ-સહાય જૂથો અને સખીમંડળની રચના થકી મહિલાઓને એકજૂથ કરી આત્મનિર્ભર બનાવવાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ હોવાનું ઉમેર્યું હતું.

પશ્ચિમ બંગાળથી વડાપ્રધાનશ્રીની વર્ચ્યુઅલ અને પાટણથી મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલ નારી શક્તિ વંદના કાર્યક્રમનું લાઈવ નિદર્શન સૌએ નિહાળ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે વર્ચ્ચુઅલ માધ્યમથી ૧૩ હજારથી વધુ સ્વ-સહાય જૂથની ૧.૩૦ લાખથી વધુ મહિલાઓને રૂ.૨૫૦ કરોડથી વધુની સહાય અર્પણ કરાઈ હતી.

આ પણ વાંચો :-

 

Share This Article