Monday, Oct 27, 2025

અમદાવાદમાં કોરોના કેસોમાં વધારો, 71 પોઝિટિવ અને 20 વર્ષીય યુવતીના મોત

2 Min Read

અમદાવાદમાં દિનપ્રતિદિન કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે કોરોનાથી વધુ એક યુવતીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સરદાર પટેલ સ્ટેડિયમ વોર્ડમાં રહેતી 20 વર્ષીય યુવતીને કોરોના થયો હતો જે બાદ તેનું સારવાર દરમિયાન મૃત્યુ થયું છે. જેથી અમદાવાદમાં કોરોનાના કારણે મૃત્યુ આંક વધીને ત્રણ થઈ ગયો છે અને ત્રણેય મૃતક મહિલા છે. એક જ દિવસમાં અમદાવાદમાં કોરોનાના કુલ 71 કેસ નોંધાયા છે અને 30 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

રાજકોટમાં આજે (4 જૂન) કોરોનાનાં વધુ 9 દર્દીઓ નોંધાયા છે. આજે 6 દર્દીઓ હોમ આઇસોલેટ રહ્યા બાદ સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા છે. કુલ દર્દીઓની સંખ્યા 61 પર પહોંચી છે. અત્યાર સુધીમાં 18 દર્દીઓ સ્વસ્થ થયા છે. હાલમાં 43 દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર હેઠળ છે.

9 કેસોમાં 8 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ
આજે નોંધાયેલા 9 કેસોમાં 8 પુરુષ અને 1 મહિલાનો સમાવેશ થાય છે. જેમાં રેસકોર્સ નજીક 26 વર્ષીય પુરુષ, રૈયારોડ નજીક 28 વર્ષીય મહિલા, વડલી ચોકમાં 28 વર્ષીય પુરુષ, રામકૃષ્ણ નગરમાં 79 વર્ષીય પુરુષ, મોટા મૌવા નજીક 52 વર્ષીય પુરુષ, રૈયારોડ પાસે 28 વર્ષીય પુરુષ, શ્રોફ રોડ નજીક 19 વર્ષીય પુરુષ, ઢેબર રોડ પર 40 વર્ષીય પુરુષ અને અમીન માર્ગ પર 27 વર્ષીય પુરુષનો સમાવેશ થાય છે.

સુરતમાં 30 લોકો કોવિડ પોઝિટિવ
સુરતમાં કોરોનાનું ભૂત ફરી ધુણ્યું છે. આ સાથે મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર એલર્ટ થયું છે. શહેરની ખાનગી હોસ્પિટલો ઉપર નજર રાખવામાં આવી રહી છે. દર્દીઓનો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવે તો પાંચ દિવસ સ્વૈચ્છિક હોમ ક્વોરેન્ટાઈન થવા અપીલ કરવામાં આવી છે. નવી લહેર વચ્ચે સુરત શહેરમાં અત્યાર સુધી કોવિડ પોઝિટિવ દર્દીની સંખ્યા 30 ઉપર પહોંચી છે.

ભારતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. રિપોર્ટ મુજબ ઓમિક્રોનના ચાર નવા પ્રકારો LF.7, XFG, JN.1 અને NB.1.8.1 ફેલાયા છે, જેમાંથી પહેલા ત્રણ પ્રકારો વધુ કેસોમાં જોવા મળ્યા છે. બધા પ્રકારો ઓમિક્રોન સાથે સંબંધિત છે, જે ઝડપથી ફેલાય છે પરંતુ ઓછા ખતરનાક છે.

Share This Article