દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. સુરત સહિત નવસારીમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલા એક મોટા ગ્રુપ પર આયકર વિભાગ દ્વારા તવાઈ બોલાવવામાં આવી છે. આ કાર્યવાહીને પગલે સમગ્ર બિલ્ડર લોબીમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
વહેલી સવારથી સર્ચ ઓપરેશન શરૂ
મળતી માહિતી અનુસાર, સુરતના એક નામાંકિત રિયલ એસ્ટેટ ગ્રુપ દ્વારા મોટા પાયે કરચોરી કરવામાં આવી હોવાની આશંકાના આધારે આયકર વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. અધિકારીઓની ટીમે વહેલી સવારથી જ આ ગ્રુપના મુખ્ય કાર્યાલયો અને રહેઠાણના સ્થળોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ તપાસમાં ગ્રુપ સાથે સંકળાયેલા બ્રોકરો (દલાલો) ને ત્યાં પણ રેડ કરવામાં આવી છે.
ઓપેરા ગ્રુપ દ્વારા નવસારીમાં ચાલી રહેલા મોટા પાયે પ્લોટિંગ અને કોમર્શિયલ પ્રોજેક્ટ્સ તેમજ મિરીખ ગ્રુપના ધોલેરા SIR સ્થિત પ્રોજેક્ટ્સમાં થયેલા રોકાણો શંકાના દાયરામાં છે. માર્ચ એન્ડિંગ નજીક હોવાથી ઘણા રોકાણકારો પોતાના કાળા નાણાંને રિયલ એસ્ટેટમાં ખપાવવાનો પ્રયાસ કરતા હોય છે. આઇટી વિભાગે આ બંને ગ્રુપ્સના પાછલા ત્રણ વર્ષના સેલ્સ રજિસ્ટર અને કાચા હિસાબો જપ્ત કર્યા છે, જેની સરખામણી હવે ફાઈલ થયેલા ઇન્કમટેક્સ રિટર્ન સાથે કરવામાં આવશે.
આ તપાસમાં રિયલ એસ્ટેટના મુખ્ય સૂત્રધાર ગણાતા જમીન દલાલો – વિશાળ રાવ અને આગમ બડેચાના સ્થળો પર પણ તપાસ લંબાવવામાં આવી છે. જમીનના સોદામાં ઘણીવાર સ્ટેમ્પ ડ્યુટી બચાવવા માટે જંત્રી કરતા વધુ રકમ રોકડમાં લેવામાં આવતી હોય છે. માર્ચ એન્ડિંગમાં આવા વ્યવહારોનું સેટલમેન્ટ થતું હોય છે, જેની ચોક્કસ બાતમીના આધારે વિભાગે આ દરોડા પાડ્યા છે. દલાલોના ઘરેથી મળી આવેલા વાંધાજનક દસ્તાવેજો મોટા કૌભાંડ તરફ ઈશારો કરી રહ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, માર્ચ એન્ડિંગના ક્લોઝિંગ સ્ટોક અને વેચાણના આંકડાઓમાં ગેરરીતિ હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. જપ્ત કરાયેલી કેટલીક ડાયરીઓમાં કોડવર્ડમાં લખાયેલા વ્યવહારો મળ્યા છે, જે ઉકેલવા માટે એક્સપર્ટની મદદ લેવાઈ રહી છે. આ ડેટાના આધારે આગામી દિવસોમાં સુરતના અન્ય મોટા માથાઓની પણ પૂછપરછ થઈ શકે છે.