દિલ્હીથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મધ્ય દિલ્હીના પહાડગંજ વિસ્તારમાં ત્રણ સગીરોએ શાળાની બહાર 15 વર્ષના વિદ્યાર્થી પર હુમલો કર્યો. આ ઘટના ચોથી સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ઈજાગ્રસ્ત વિદ્યાર્થી છાતીમાં છરી લઈને પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. વિદ્યાર્થીને જોઈને પોલીસકર્મીઓ ચોંકી ગઈ હતી અને તેને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે આવી જ ઘટના અમદાવાદમાં મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં પણ બની હતી.
પોલીસે શનિવારે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે આ ઘટના 4 સપ્ટેમ્બરના રોજ બની હતી, જ્યારે ઘાયલ છોકરો છાતીમાં ફસાયેલા ચાકુ સાથે પહાડગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. તેને તાત્કાલિક નજીકની કલાવતી સરન હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને બાદમાં RML હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ સફળતાપૂર્વક તેની છાતીમાંથી ચાકુ બહાર કાઢ્યું હતું.
જાણો શું છે મામલો
અહેવોલો અનુસાર, પોલીસને પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે લગભગ 10-15 દિવસ પહેલા, એક આરોપી વિદ્યાર્થીને કેટલાક અન્ય વિદ્યાર્થીએ માર માર્યો હતો. તેને શંકા હતી કે પીડિત વિદ્યાર્થીએ આ ઝઘડો ઉશ્કેર્યો હતો. આ દુશ્મનાવટને કારણે, તેણે બે મિત્રો સાથે મળીને વિદ્યાર્થી પર હુમલો કરવાનો પ્લાન ઘડ્યો હતો. ચોથી સપ્ટેમ્બરના રોજ પીડિતા વિદ્યાર્થી શાળાના ગેટ પર પહોંત્યો ત્યારે, ત્રણ સગીર આરોપીઓએ તેને ઘેરી લીધો. પોલીસનું કહેવું છે કે એક સગીરે પીડિતા પર છરીથી હુમલો કર્યો હતો જ્યારે અન્ય બેએ તેને પકડી રાખ્યો હતો. આરોપીઓમાંથી એકે પીડિતાને ધમકાવવા માટે તૂટેલી બીયરની બોટલ પણ બતાવી હતી.
આ મામલે પહાડગંજ પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું કે સ્થાનિક ગુપ્તચર માહિતી અને ત્વરિત દરોડા દ્વારા FIR નોંધાયાના થોડા કલાકોમાં જ ત્રણેય આરોપી છોકરાઓને આરામ બાગ વિસ્તારમાંથી કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પોલીસે ઘટનાસ્થળ પરથી છરી અને તૂટેલી બિયરની બોટલ પણ જપ્ત કરી હતી.