શેરબજારમાં આજે શુક્રવારે શાનદાર ઉછાળા બાદ મોટો કડાકો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ આજે તેના હાઈ લેવલથી ૨ ટકા એટલે કે ૧૪૩૪ પોઈન્ટ સુધી ગગડી ગયો હતો. જ્યાર નિફ્ટી દિવસની શરૂઆતમાં ૨૨,૭૯૪ના ઓલ ટાઈમ હાઈ લેવલને સ્પર્શ્યા બાદ તેમાં પણ કડાકો બોલાઈ ગયો હતો. સમાચાર લખવા સુધીમાં તે લગભગ ૧.૬૦ ટકા એટલે કે ૪૦૦ પોઈન્ટના ઘટાડા સાથે ટ્રેડ થઈ રહી છે.
બપોરે ૧ વાગ્યે નિફ્ટી ૨૫૦ પોઈન્ટ ઘટીને ૨૨,૪૦૦ પર ટ્રેડ થઇ રહી હતી જ્યારે સેન્સેક્સ ૯૧૬ પોઈન્ટ ઘટીને ૭૩,૬૯૫ પર ટ્રેડ થઇ રહ્યો હતો. જ્યારે બેન્ક નિફ્ટી ૪૭૫ પોઈન્ટથી વધુના કડાકા સાથે ૪૮,૭૬૫ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. BSEના ટોચના ૩૦ શેરોમાંથી ૨૫ શેરોમાં વેચવાલી આવી હતી. બજાજ ફાઇનાન્સનો શેર પણ ૨ ટકા સુધી ગગડી ગયો હતો. સૌથી મોટો ઘટાડો ભારતી એરટેલમાં ૨.૪૨ ટકાનો આવ્યો હતો. NSE પરના ૨,૫૫૩ શેરોમાંથી ૭૬૩ શેરો વધી રહ્યા છે, જ્યારે ૧,૬૮૯ શેરોમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને ૧૦૧ શેરો યથાવત છે. ૧૩૩ શેર ૫૨ સપ્તાહની ઊંચી સપાટીએ અને ૭ નીચા સ્તરે પહોંચ્યા છે. ૮૭ શેરોમાં અપર સર્કિટ છે અને ૩૭માં લોઅર સર્કિટ છે.
કોર્પોરેટ હલચલમા, આજે મુખ્ય કંપનીઓમાં બ્રિટાનિયા, ટાઇટનના ત્રિમાસિક પરિણામ જાહેર થશે. આરબીઆઇ તરફથી રાહત મળવાના સમાચારે લેવાલી નીકળતા બજાજ ટ્વિન્સમાં સાત ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. માર્કેટ એક્સપર્ટ અનુસાર ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલના વ્યાજદર અંગેના આશ્વાસનભર્યા વલણને કારણે નિફ્ટી તાજેતરની મંદીને પગલે પુનરુત્થાનના સંકેતો દર્શાવે છે. સકારાત્મક સૂચકાંકોમાં FII અને DII બંને તરફથી વધેલી ખરીદીની પ્રવૃત્તિની અસરનો સમાવેશ થાય છે. ઉપરાંત ડબલ્યુટીઆઈ ઓઇલના બેરલ દીઠ $૮૧ની નીચેનો ઘટાડો થયો છે.