લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કામાં આજે ૮ રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ૫૭ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વારાણસી બેઠક પણ સામેલ છે, જ્યાંથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત ત્રીજી વખત ચૂંટણી લડી રહ્યા છે. આ સિવાય પંજાબની તમામ ૧૩, હિમાચલ પ્રદેશની ૪, ઉત્તર પ્રદેશની ૧૩, પશ્ચિમ બંગાળની ૯, બિહારની ૮, ઓડિશાની ૬ અને ઝારખંડની ૩ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે.
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મતદાન કર્યા બાદ કહ્યું, ‘આ લોકશાહીનો તહેવાર છે. આજે ઉત્તર પ્રદેશમાં ૧૩ બેઠકો સહિત ૫૭ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. વિવિધ રાજકીય પક્ષોએ તેમના મુદ્દાઓ જનતા સમક્ષ મૂક્યા છે. મતદારોએ ભારે ઉત્સાહ દર્શાવ્યો છે. હું મતદાન કરવા આવેલા તમામ લોકોનો આભાર માનું છું, અમે કહી શકીએ કે જ્યારે ચોથી જૂને પરિણામ આવશે ત્યારે યુવાનો અને દેશ માટે કામ કરતી પાર્ટી સફળ થશે. ચોથી જૂને ફરીથી મોદી સરકાર બનશે.
ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, સાતમા તબક્કામાં સવારે ૯ વાગ્યા સુધી કુલ ૧૧.૩૧ ટકા મતદાન થયું છે. સૌથી વધુ હિમાચલ પ્રદેશમાં થયું છે. જ્યારે સૌથી ઓછુ ઓડિસામાં વોટિંગ થયું છે.
રાજ્ય | ટકા મતદાન |
બિહાર | ૧૦.૫૮ % |
ચંદીગઢ | ૧૧.૬૪ % |
હિમાચલ પ્રદેશ | ૧૪.૩૫ % |
ઝારખંડ | ૧૨.૧૫ % |
ઓરિસ્સા | ૦૭.૬૯ % |
પંજાબ | ૦૯.૬૪ % |
ઉત્તર પ્રદેશ | ૧૨.૯૪ % |
પશ્ચિમ બંગાળ | ૧૨.૬૩ % |
હિમાચલ પ્રદેશના મંડી લોકસભા મતવિસ્તારમાંથી બીજેપી ઉમેદવાર કંગના રનૌતે મતદાન કર્યા પછી કહ્યું, ‘મેં હમણાં જ મારો મત આપ્યો છે. હું લોકોને અપીલ કરવા માંગુ છું કે લોકશાહીના ઉત્સવમાં ભાગ લે અને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે. હિમાચલ પ્રદેશમાં પીએમ મોદીની લહેર છે, મને આશા છે કે મંડીના લોકો મને આશીર્વાદ આપશે અને અમને રાજ્યની તમામ ૪ બેઠકો મળશે… હિમાચલ પ્રદેશની ૪ બેઠકો ૪૦૦ને પાર કરવામાં મદદ કરશે.