Wednesday, Oct 29, 2025

દિલ્હી યુનિવર્સિટીમાં સત્તા પરિવર્તન, અધ્યક્ષ સહિત ત્રણ પદો પર ABVPનો ભવ્ય વિજય

2 Min Read

દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘ (DUSU) ચૂંટણી 2025માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP)એ શાનદાર જીત મેળવી છે. DUSUની કેન્દ્રીય પેનલની ચારમાંથી ત્રણ બેઠકો પર ABVPએ પોતાનું પ્રભુત્વ સ્થાપ્યું છે, જ્યારે ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંઘ (NSUI)ને ફક્ત એક બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

DUSU ચૂંટણી 2025માં કુલ 1,53,100 નોંધાયેલા મતદાતાઓમાંથી 60,272 વિદ્યાર્થીઓએ મતદાન કર્યું હતું. મતદાન ટકાવારી 39.36 ટકા રહી હતી. આ વખતે કુલ 21 ઉમેદવારોએ પોતાની કિસ્મત અજમાવી હતી, પરંતુ મુખ્ય મુકાબલો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને કોંગ્રેસ સમર્થિત નેશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઓફ ઇન્ડિયા (NSUI) વચ્ચે જોવા મળ્યો હતો.

દિલ્હી યુનિવર્સિટી ચૂંટણીમાં કોણ જીત્યા, કોણ હાર્યા

  •  પદ           ABVP ઉમેદવાર          NSUI ઉમેદવાર          
  • અધ્યક્ષ       આર્યન માન (જીત્યા)    જોશલિન નંદિતા ચૌધરી (હાર્યાં)
  •  ઉપાધ્યક્ષ     ગોવિંદ તંવર (હાર્યા)   રાહુલ ઝાંસલા (જીત્યા)        
  •  સચિવ       કુણાલ ચૌધરી (જીત્યા)  કબીર (હાર્યા)              
  •  સંયુક્ત સચિવ  દીપિકા ઝા (જીત્યા)    લવકુશ ભડાના (હાર્યા)   

DUSU ચૂંટણીમાં ABVPના કુણાલ ચૌધરીએ સચિવ પદ જીત્યું છે. તેમણે કહ્યું હતું કે મને દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘનો સચિવ તરીકે ચૂંટવામાં આવ્યો છે અને હું દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થી સમુદાયનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. હું હાથ જોડીને આપ સૌનો આભાર માનું છું અને આપ સૌને વિશ્વાસ અપાવું છું કે જ્યારે પણ કોઈને મારી જરૂર પડશે ત્યારે હું હંમેશાં તેમની સાથે ઊભો રહીશ.

ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું હતું કે દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVPની પ્રચંડ જીત બદલ પરિષદના કાર્યકરોને શુભેચ્છા. આ જીત યુવાનોની રાષ્ટ્ર પ્રથમની વિચારધારા પર અડગ વિશ્વાસનું પ્રતિબિંબ છે. આ વિજય પરિષદની વિદ્યાર્થી શક્તિને રાષ્ટ્ર શક્તિમાં પરિવર્તિત કરવાની યાત્રાને વધુ ગતિ આપશે.

Share This Article