Sunday, Dec 7, 2025

ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીએ જ પત્ની-પુત્રી-પુત્રને મોતના ઘાટ ઉતારી ખાડામાં દાટી દીધા

2 Min Read

ભાવનગરમાં ચકચારી ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં એક ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા અધિકારી શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની અને બે સંતાનોની હત્યા કરી તેઓની લાશને ખાડામાં દાટી દીધી હોવાની માહિતી સામે આવી છે. ભાવનગર પોલીસની ટીમ ત્રણેય મૃતકોને શોધવા માટે અલગ અલગ દિશામાં તપાસ કરી રહી હતી.

બનાવની મળતી માહિતી પ્રમાણે, ગત 5મી નવેમ્બરે નયનાબેન અને બંને સંતાનો સુરત જવા નીકળ્યા હતા. પરંતુ, સુરત ન પહોંચતા શૈલેષ ખાંભલા દ્વારા જ ભાવનગર પોલીસને ગુમ થયાની જાણ કરવામાં આવી હતી. પતિ દ્વારા નયનાબેનના પિયરપક્ષના લોકોને પણ જાણ કરતા તેઓ પણ ભાવનગર આવ્યા હતા અને સમાજના અન્ય લોકો સાથે મળી પોલીસને રજૂઆત કરી હતી. જો કે આ લોકો ગુમ થયાની જાણ મહિલાના પરિવારજનોને 6 તારીખના રોજ કરવામાં આવી હતી. નયનાબેનના પિતરાઈ ભાઈ હરેશભાઈ જોટાણાએ જણાવ્યું કે, લગ્નને 15 વર્ષ થઈ ગયા છે પરતું તેઓને કોઈ તકલીફ ન હતી. બનેવીની અલગ અલગ જગ્યાએ બદલીઓ થતી હોય બહેન બંને સંતાનો સાથે સુરત રહેતા હતા. જ્યારે બનેલી જ્યાં પણ નોકરી હોય ત્યાં ક્વાર્ટરમાં રહેતા હતા.

મૃતક નયનાબેન, દીકરી પૃથા અને દીકરા ભવ્યના મૃતદેહોના પોસ્ટમોર્ટમ બાદ પતિની ગેરહાજરીમાં અને અન્ય પરિવારજનોની ઉપસ્થિતિમાં રવિવારે રાત્રે અંતિમવિધિ કરવામાં આવી હતી. મૃતક નયનાબેનના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, જે રીતે ઘરમાંથી અહીં સુધી લાશો લાવવામાં આવી છે અને પથ્થરો બાંધી દાટવામાં આવી છે તેને જોતા સ્પષ્ટ છે કે, આ બનાવમાં એક કરતા વધુ લોકો સંડોવાયેલા છે. જે લોકોએ આ રાક્ષસી કૃત્ય કર્યું છે તેઓને ફાંસીની સજા થવી જોઈએ.

પોલીસ દ્વારા હાલ પતિ શંકાના દાયરામાં દેખાતા તેની સઘન તપાસ કરવામાં આવી રહી છે. આ અંગે મૃતક મહિલાના પરિવારજનોએ સરકાર પાસે ન્યાયની માંગ કરી છે અને આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી રહ્યા છે.

તમામ ઘટનાને લઈ એસપીએ જણાવ્યું કે, મૃતક મહિલાનો પતિ જ શંકાના દાયરામાં છે જેથી તેની હાલ કડક પૂછપરછ ચાલી રહી છે. ભાવનગર જિલ્લામાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવતા શૈલેષ ખાંભલા અગાઉ દાહોદ ખાતે, ત્યાર બાદ જૂનાગઢના મેંદરડામાં અને ફરી દાહોદ ખાતે RFO તરીકે ફરજ બજાવી ચૂક્યા છે, જે બાદ એક વર્ષ પહેલા ACFના પ્રમોશન સાથે તેની ભાવનગર ખાતે બદલી કરવામાં આવી હતી.

Share This Article