ક્યાં ગયું કાઠીયાવાડનું ખમીર? મોટાભા થઈને ફરતા પુરૂષોત્તમ રૂપાલા, િદલીપ સંઘાણી ક્યાં ગયા? ક્યાં ગઈ તમારી ખુમારી?
યુવતી એક આરોપી હતી, કોઈ ગુનેગાર નહોતી ભાજપના દંડક કૌિશક વેકરિયા સામે લખાયેલો પત્ર કદાચ આ યુવતીએ તેના માિલકના કહેવાથી ટાઈપ કર્યો હશે, વહેંચવા નહોતી નીકળી
યુવતીનો એવો તે કયો ગુનો હતો કે તેણીની અટકાયત કરી જાહેરમાં રીઢા ગુનેગારની માફક ફેરવવામાં આવી? પોલીસે કોની મહેરબાનીથી એક યુવતીને બેઈજ્જત કરવાની ચેષ્ટા કરી હતી
એક યુવતીને જાહેરમાં બેઈજ્જત કરવાની કદાચ ગુજરાતની પ્રથમ આ ઘટના હશે, ‘દાદા’ ધૂતરાષ્ટ બનીને બેસી રહેશે તો ગુજરાતમાં રોજેરોજ પોલીસ યુવતીઓના ફજેતા કરતી રહેશે
ઉત્સાહનો અતિરેક અને ગુનેગારોમાં ધાક બેસાડવા માટે આજકાલ ગુજરાતમાં આરોપીઓનું સરઘસ કાઢવાની નવી પ્રણાલી શરૂ થઈ છે. ગુનેગારોને બેનકાબ કરવા અને મનમાં ગુનાખોરી લઈને ફરતા ગુનેગારોમાં ધાક ઊભી કરવા ગુનેગારોને દોરડાથી બાંધીને સરઘસ કાઢવામાં આવે એ કાયદાની દૃષ્ટિએ ખોટું હોવા છતાં આરોપીઓનાં સરઘસ કાઢવાથી ગુનાખોરી નિયંત્રણમાં આવતી હોય તો પોલીસ અને સરકારમાં બેઠેલા લોકોની સરાહના કરવી જોઈએ. પરંતુ ગુજરાતમાં વાસ્તવિક સ્થિતિ જુદી છે. વધી રહેલી ગુનાખોરી ઉપર નજર દોડાવવામાં આવે તો ગુજરાતમાં ગુનાખોરી અને ગુનેગારો ફાટીને ધુમાડે ગયા છે. ગમે તેટલા સરઘસ કાઢવામાં આવે તો પણ ગુનેગારોને કોઈ જ ફરક પડતો નથી. આર્થિક, સામાજિક શોષણ અને વ્યભિચારની ઘટનાએ માજા મુકી અનેક ઘટનાઓ તો પ્રકાશમાં નહીં આવતી હોય. ‘દાદા ભગવાન’ના માણસ ભૂપેન્દ્ર પટેલ ખરેખર પરિવારના ‘દાદા’ જેવા માણસ છે, પરંતુ સરકારમાં કોઈ બાબત નબળી પડતી હોય તો ‘દાદા’એ આંખ કાઢવાની જરૂર છે. પરંતુ આમાનુ કંઈ જ થતુ નથી. બલ્કે એવું ચોક્કસ કહી શકાય કે, ગુજરાત સરકાર ‘દાદા ભગવાન’નાં ભરોસે ચાલી રહી છે. વિવિધ યોજનાઓની જાહેરાતો, રાહતોની લાહાણીના કરવામાં આવતા દાવા વચ્ચે ગુજરાતના લોકો સુખી નથી. થોડા મુઠ્ઠીભર લોકોના ઘરમાં ‘જાકમઝોળ’ હશે પરંતુ તેથી આખો સમાજ, રાજ્યની સમગ્ર પ્રજા સુખી છે એવું કઈ રીતે માની શકાય? અને હવે તો લોકોએ ફરિયાદ કરવાનું જ બંધ કરી દીધુ છે. પોલીસ મથકમાં રોજબરોજ ચાલતા વહેવારો અને ચોક્કસ ચહેરાઓનો પડાવ જોતા પોલીસ કોઈકનાં હાથનું રમકડું બનીને કામ કરતી હોય એવી અનુભૂતિ થઈ રહી છે. રોજબરોજ કથળતી જતી કાયદો-વ્યવસ્થાની સમયસર જાળવણી કરવામાં નહીં આવે તો એક દિવસ ગુજરાતમાં ગુનેગારો હાવી થઈ ગયા હશે.
આ ઉપરાંત ગુજરાત ભાજપમાં વકરતી જતી જુથબંધી સરકારને વધુ ‘નબળી’ પાડવાની ભૂમિકા ભજવી રહી છે. એકબીજાને પાડવા ટાંપીને બેઠેલા પેલા શેરીના ‘ડાઘીયા’ની માફક ભાજપની જુથબંધી પણ ખદબદી રહી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પછી કોણ? અને સી.આર. પાટીલની પ્રમુખપદેથી વિદાય થવાની રાહ જોઈને બેઠેલા લોકો આજકાલ વધુ ‘હાવી’ બની રહ્યાં છે તો ઘણાં લોકો કિનારે આવીને રાહ જોઈ રહ્યાં છે.
ખેર, ભાજપની યાદવાસ્થળી હવે ખાનગી રહી નથી, પરંતુ પોલીસના ઉત્સાહના અતિરેકમાં કે શાસકોને વહાલા થવાની હોડમાં અમરેલી પોલીસે ભાજપ અગ્રણીઓના પત્રિકાયુદ્ધમાં એક પાટીદાર યુવતીનું સરઘસ કાઢીને સમગ્ર ગુજરાતીઓનું માથું શરમથી ઝૂકી જાય એવું કૃત્ય આચર્યું હતું. ખરેખર તો આ યુવતી હજુ ગુનેગાર પુરવાર થઈ નથી. માત્ર આરોપી તરીકે તેની ધરપકડ કરવામાં આવી હતી. વળી આ યુવતી સામે એવો આરોપ મુકવામાં આવ્યો હતો કે, ભાજપના ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ફરતો કરાયેલો પત્ર આ યુવતીએ માત્ર ‘ટાઈપ’ કર્યો હતો અને એ પણ જ્યાં નોકરી કરતી હતી તેના કહેવાથી ટાઈપ કર્યો હતો. પોલીસે આ પાટીદાર યુવતી સામે અન્ય કેટલા ગુના દાખલ કર્યા છે એની સત્તાવાર જાણ નથી પરંતુ વિધાનસભાનાં નાયબ દંડક કૌશિક વેકરિયા અને કોંગ્રેસના પ્રતાપ દૂધાત વચ્ચેના ગજગ્રાહમાં આ પત્ર લખાયો હતો. જેમાં પોલીસની હપ્તાખોરી, રેતીની લીઝની ચોરી વગેરે વગેરે આક્ષેપ કરવામાં આવ્યા હતા.
આ પત્રના સંદર્ભમાં પોલીસે કોના દબાણથી ગુનો દાખલ કર્યો હતો તેની કોઈ માહિતી નથી, પરંતુ એક હકીકત છે કે, પોલીસે પાટીદાર યુવતીની અટકાયત કરી છે અને જાહેરમાં સરઘસ કાઢ્યું પણ હતું. વળી આ એવો કોઈ જ ગંભીર ગુનો નહોતો કે, એક યુવતીની આબરૂને ધક્કો પહોંચે એ રીતે જાહેર બજારમાં ફેરવવામાં આવે.
પાટીદાર હોય કે કોઈપણ સમાજની બેન, દિકરી હોય તેની ગરિમા જાળવવાની સમાજની પ્રત્યેક વ્યક્તિની ફરજ છે. પરંતુ અમરેલીનાં મોટી મૂછો લઈને ફરતા ‘ખેરખાં’ નેતાઓ સમય આવ્યે ‘નમાલા’ પુરવાર થયા હતા. ભાજપ અને કોંગ્રેસનો રાજકીય ગજગ્રાહ કે ભાજપના આંતરિક જુથવાદે જે પણ હોય પરંતુ અમરેલીના પાદરમાં એક યુવતીને આરોપી તરીકે અટકાયત કરીને જાહેરમાં ફેરવવાની ઘટના માત્ર શરમજનક જ નહીં સમગ્ર માણસજાત માટે ‘બેશરમી’ ભરી હતી.
આમ પણ ગુજરાતના રાજકારણમાં અમરેલી પહેલેથી જ વિવાદોથી ભરેલું છે. પરંતુ ભૂતકાળના નેતાઓ ખમતીધર હતા. રાજકારણની લડાઈમાં સામાજિક લાંછનની ઘટના ક્યારેય પણ બનવા પામી નથી. ભૂતકાળમાં પણ પત્રિકાઓ ફરતી કરવામાં આવી હતી, ભ્રષ્ટાચારને લઈને આક્ષેપો કરાયા હતા. પરંતુ મા-બેન, દિકરીને ઘસડવામાં આવી હોવાની એકપણ ઘટના બનવા પામી નહોતી.
- કૌશિક વેકરિયા, પ્રતાપ દૂધાત, મહેશ કસવાલા, પુરૂષોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી, પરેશ ધાનાણી સહિત મોટાભાગનાં નેતાઓ પાટીદાર સમાજમાંથી આવે છે. વળી પુરૂષોત્તમ રૂપાલા અને દિલીપ સંઘાણી સૌથી વરિષ્ઠ આગેવાનો ગણવામાં આવે છે. અમરેલીના પાદરથી શરૂ કરીને દિલ્હીના દરવાજા સુધી વર્ચસ્વ ધરાવતા આ આગેવાનોએ પણ બીજા સમાજને છોડી પોતીકા સમાજની દિકરીની આબરૂ લૂંટાતી રોકવાને બદલે તમાશો જોતા રહ્યાં હતાં. પેલા પાંડવ, કૌરવના યુદ્ધ પૂર્વે દ્રૌપદીના વસ્ત્રાહરણની ઘટના જેવી ઘટના અમરેલીના પાદરમાં બનવા પામી અને છતાં એકપણ ‘મરદ’ નેતાએ પડકારો પણ કર્યો નહીં. રાજ્ય અને કેન્દ્રમાં તમારી સત્તા છે અને છતાં પોલીસે પાટીદાર સમાજની દિકરીને ગામમાં ફેરવીને માત્ર પાટીદારોનું જ નહીં સમગ્ર સમાજનું નાક કાપી નાંખવાની શરમજનક ઘટના છતાં કોઈનું રૂવાડું પણ ફરકે નહીં કદાચ આવું ગુજરાતમાં જ બની શકે. વળી એક દિકરીની બેઈજ્જતીની ઘટના સંદર્ભે પ્રચાર માધ્યમોમાં લવારા કરવામાં આવે આનાથી મોટી શરમજનક બીજી કઈ ઘટના હોઈ શકે? હજુ પણ મોડું થયું નથી, સરકાર ધારે તો જવાબદાર અધિકારી સામે દાખલારૂપ પગલાં ભરીને અન્ય અધિકારીઓને સંદેશો પહોંચાડવા સાથે ગુમાવેલી આબરૂ બચાવી શકે. પરંતુ આવી અક્કલ કોણ આપે? અને અમરેલી ઘટના બાદ સરકાર ઉદાહરણરૂપ પગલાં નહીં ભરે તો આવનારા દિવસે ગુજરાતની અન્ય મા-બેન, દિકરીનો જાહેરમાં ફજેતો કરતાં પોલીસને કોઈ રોકી શકશે નહીં.