- મેન્ડેટ આપ્યા વગર પણ ધાર્યુ પરિણામ મેળવી શકાયું હોત, અને હવે શિક્ષાત્મક પગલા નહી ભરાય તો અન્ય સંસ્થામા પણ અનુકરણ કરાશે
- સુરતની વરાછા બેંક સહકારીનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય, પી.બી.ઢાંકેચાએ આ બેંકની સ્થાપના કરી હતી અનેક હોદ્દેદારો બદલાય પરંતુ પી.બી.ઢાંકેચા ઉપર લોકોનાે વિશ્વાસ હજુ ડગ્યો નથી
- અગાઉ સુરત પીપલ્સ બેંકમાં પણ ભગવાકરણ કરવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ ભાજપના મુકેશ દલાલ સહિત અન્યોના પ્રયાસને દાદ મળી નહોતી
- થોડા વર્ષો પહેલા તક સાધુઓએ ગલીએગલીએ સહકારી બેંકો શરૂ કરી હતી પરંતુ એક પણ બેંકના પાટિયા ટક્યા નથી બલ્કે ભરોસામા અનેક લોકોએ કરોડોની મૂડી ગૂમાવી હતી
લોકસભાની ચૂંટણી ટાણે જ ખેડૂતોની કેન્દ્રીય સહકારી સંસ્થા ‘ઈફ્કો’માં ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલની હાર અને ભાજપના જ ધારાસભ્ય અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયાની ૧૮૨ પૈકી ૧૧૩ મતોથી થયેલી જીતની ઘટનાએ ખાસ કરીને ગુજરાતના સહકારી માળખામાં સુખદ આશ્ચર્ય ફેલાવ્યું હતું. સત્તાધારી ભાજપ પક્ષનો સત્તાવાર ઉમેદવાર હારી જાય અને છતાં ખુશાલીની લહેર જોવા મળે આ ઘટના જ આશ્ચર્યજનક કહી શકાય પરંતુ તેમ છતાં એ હકીકત હતી કે ભાજપનો સત્તાવાર ઉમેદવાર હારી ગયાનો કોઈને અફસોસ નહોતો. ખરેખર તો ત્રણે ત્રણ ઉમેદવારો ભાજપ પક્ષના જ હતા. જયેશ રાદડિયા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય છે, જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલ (અમદાવાદ-ગોતા) અને ત્રીજા પંકજ પટેલ પણ ભાજપના જ ઉમેદવાર ગણી શકાય પરંતુ આ ત્રણ પૈકી બિપિન પટેલને ભાજપે સત્તાવાર ઉમેદવાર ગણાવ્યા હતા અને તેમના નામનો ‘મેન્ડેટ’ આપ્યો હતો અને તેમ છતાં જયેશ રાદડિયા એક બે નહીં ૧૧૩ મતોથી ચૂંટાઈ આવ્યા હતા જ્યારે ભાજપના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલને માત્ર ૬૭ મતો મળ્યા હતા. જ્યારે પંકજ પટેલે ચૂંટણી લડવાને બદલે પક્ષના સત્તાવાર ઉમેદવાર બિપિન પટેલને પોતાનો ટેકો જાહેર કરી દીધો હતો.
હકીકત એ છે કે ઈફ્કોના કુલ ૧૮૨ મતદાર સભાસદો પૈકી બે મતદારો વિદેશ હોવાથી ગણીને ૧૮૦ મતદારોએ મતદાન કરવાનું હતું. મતલબ ભાજપ નેતાગીરીએ ધાર્યું હોત તો પ્રત્યેક સભ્યને શોધી શોધીને ભાજપના સત્તાવાર ઉમેદવાર માટે મતદાન કરાવી શકાયું હોત પણ તેમ થયું નહોતું અને ભાજપ પક્ષનો આદેશ હોવા છતાં આદેશની ધરાર અવગણના કરીને જયેશ રાદડિયાની તરફેણમાં મતદાન કર્યું હતું. આનો મતલબ એ પણ કહી શકાય કે સહકારી ક્ષેત્રના લોકો સહકારી સંસ્થામાં રાજકીય પક્ષનો હસ્તક્ષેપ ઈચ્છતા નથી. વળી ‘ઈફ્કાે’ની ઘટનામાં તો પક્ષના ‘મેન્ડેટ’ પહેલા જ જયેશ રાદડિયાએ ઉમેદવારી નોંધાવી દીધી હતી અને ભાજપ પક્ષની નેતાગીરીને જાણ પણ કરી દીધી હતી અને તેમ છતાં પક્ષના નેતૃત્વએ બિપિન પટેલના નામનો ‘મેન્ડેટ’ આપીને ભુલ કરી હતી અથવા પોતાની સર્વોપિરતા પુરવાર કરવા માટે આમ કર્યું હતું. પરંતુ સર્વોપિરતા પુરવાર કરવાની દોડમાં વર્તમાનમાં ડહોળાયેલા રાજકીય વાતાવરણમાં વધુ એક પથ્થર ફેંકવા જેવી ઘટના બનવા પામી હતી અને ‘ઈફ્કો’ના ચેરમેન દિલીપ સંઘાણી સહિત સહકારી ક્ષેત્રના લોકોએ જયેશ રાદડિયાના વિજયને વધાવી લઈને ભાજપની નેતાગીરી સામે પણ ‘નાફરમાની’ કરી શકાય એવો દાખલો બેસાડ્યો હતો. વળી ઉત્તર અને દિક્ષણ ગુજરાતમાં સેંકડો ખમતીધર સહકારી સંસ્થાઓ છે. આ સંસ્થા સાથે સંકળાયેલા ભાજપની વિચારધારાના લોકો પણ ઈચ્છતા નથી કે સહકારી ક્ષેત્રમાં પક્ષીય રાજકારણનો હસ્તક્ષેપ કરવામાં આવે.
‘ઈફ્કો’ની ઘટના પૂર્વે સુરતમાં પણ આવા જ પ્રકારની ઘટના બનવા પામી હતી. સુરત પીપલ્સ બેંકની ચૂંટણીમાં ભાજપ તરફથી સત્તાવાર નહીં પરંતુ બિનસત્તાવાર ભાજપના સભ્યોને બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સમાવી લેવાના મરણિયા પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ ભાજપના શહેર મહામંત્રી અને બિનહરીફ ચૂંટાયેલા સાંસદ મુકેશ દલાલના લાખ પ્રયાસો છતાં મુકેશ દલાલને દાદ મળી નહોતી અને ભાજપની હરીફ પેનલના સભાસદો ચૂંટાઈ આવ્યા. આ ઘટનામાંથી ભાજપ નેતાગીરીએ બોધપાઠ લેવાની જરૂર હતી પરંતુ સત્તાના મદમાં કહો કે અહંકારમાં સુરત પીપલ્સ બેંકના વહિવટમાં ભાજપના લેબલ સાથેના માણસો બેસાડવાનો આખો ખેલ નિષ્ફળ રહ્યો હતો.
હકીકતમાં સુરત પીપલ્સ બેંકના મોટાભાગના શેરહોલ્ડર્સ, સભાસદો સુરતી મોઢવણિક સમાજમાંથી આવે છે અને મોઢવણિકના આખાને આખા પરિવારો ભાજપના ભગવા રંગથી રંગાયેલા છે અને એટલે જ સુરતમાં વર્ષોથી ભાજપના કોર્પોરેટરથી શરૂ કરીને સાંસદ સુધી મોટાભાગના ઉમેદવારો ચૂંટાતા આવ્યા છે પરંતુ ખરી વાસ્તવિકતા એ છે કે લોકો સહકારી માળખાને પક્ષીય રાજકારણથી દૂર રાખવા માંગે છે અને અાવા જ કારણો, લાગણીને લઈને ‘ઈફ્કો’ના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણીમાં ભાજપના સત્તાવાર ઉમેદવારનો પરાજય થયો હતો.
ભાજપનું સમગ્ર નેતૃત્વ સમજે તો સુરત પીપલ્સ બેંક અને ઈફ્કોની ચૂંટણીમાં ભાજપવિરોધી પરિણામો ઉદાહરણરૂપ ઘટનાઓ છે. આ ઘટનાઓમાંથી બોધપાઠ લઈને કુનેહ પૂર્વક કામ લેવામાં કામ લેવામાં આવશે તો પક્ષનો મેન્ડેટ આપ્યા વગર પણ ઈચ્છિત વ્યક્તિને ચેરમેન સહિતના હોદ્દાઓ ઉપર બેસાડવામાં ધાર્યા કરતા પણ વધુ સફળતા મેળવી શકાશે.
‘ઈફ્કો’ના ચેરમેન દિલીપ સંઘાણી પણ ભાજપના જ આગલી હરોળના નેતા છે અને આજ કાલના નહીં વર્ષોથી ‘ઈફ્કો’ સહિત અનેક સહકારી સંસ્થાઓમાં મહત્ત્વના પદો ભોગવી રહ્યા છે. કારણ સહકારી માળખું રાજકારણથી દૂર છે. સહકારી ક્ષેત્રમાં ભરોસો અને પ્રભુત્વ વધારે મહત્ત્વના છે. વળી, સહકારી સંસ્થાને બેઠી કરીને ટોચ ઉપર લઈ જવા માટે વર્ષોથી લોહી રેડવું પડે છે.
જયેશ રાદડિયાના પિતા સ્વ. વિઠ્ઠલ રાદડિયાએ ઉભી કરેલી રાજકોટ જિલ્લા સહકારી બેંક એક આદર્શ ઉદાહરણ છે. લોકો સહકારી સંસ્થાના નેતૃત્વ ઉપર ભરોસો કરતાં હોવાથી કોઈ એક વ્યક્તિએ દાયકાઓ સુધી સહકારી સંસ્થામાં નેતૃત્વ કર્યું હોવાના સેંકડો દાખલાઓ શોધવા પડે તેમ નથી.
સુરતની જ વાત કરીએ સુરતમાં વરાછા બેંકની સ્થાપના કરનાર પી.બી. ઢાંકેચા પછી અનેક હોદ્દેદારો બદલાતા રહ્યા. કદાચ આજે પી.બી. ઢાંકેચા નિર્ણાયક સ્થિતિમાં નહીં પણ હોય પરંતુ વરાછા બેંકમાં પી.બી. ઢાંકેચાનું સ્થાન આજે પણ પુરા આદર્શ સાથે યથાવત છે. સુરતમાં બીજી પણ અનેક સહકારી બેંકો દાયકાઓથી સભાસદો, ખાતેદારોના વિશ્વાસ સાથે ધમધમી રહી છે.
વચ્ચે એક દોર આવ્યો હતો અને સહકારી બેંક શરૂ કરીને મોટાપાયે કમાણી કરી લેવાના સપના ઘણા તકસાધુઓએ જોયા હતા પરંતુ વ્યક્તિગત સ્વાર્થ માટે શરૂ કરવામાં આવેલી સહકારી બેંકોને રાતોરાત તાળા લાગી ગયા હતા. આવી અનેક બેંકો શરૂ થઈ અને બંધ પણ થઈ ગઈ ઘણાને આવી બેંકોના નામ પણ યાદ નહીં હોય. ખેર, ‘ઈફ્કો’ના ડિરેક્ટર્સની ચૂંટણીમાં જયેશ રાદડિયાની જીતને ભાજપમાં ‘બળવો’ માનવામાં આવે તો પણ આ ‘બળવા’એ અનેક લોકોને રાજી રાજી કરી દીધા હતા અને આ રાજીપા પાછળના પણ કારણો અલગ-અલગ હતા.
સૌથી પહેલું કારણ ‘ઈફ્કો’ની ચૂંટણીમાં રાજકીય હસ્તક્ષેપને પછડાટ મળવાનું હતું અને બીજું કારણ ભાજપમાં આંતરિક ખદબદતા વિગ્રહમાં પ્રદેશ અધ્યક્ષના ‘મેન્ડેટ’ની અવગણના કરવામાં આવતાં બીજા કોઈ નહીં ભાજપના જ અસંતુષ્ટો રાજી થયા હતા.
અલબત્ત જયેશ રાદડિયાની બળવાની ઘટના કાલે ભુલાઈ જશે પરંતુ શિસ્તબદ્ધ ભાજપમાં પક્ષના આદેશની અવગણના કરવાની થયેલી શરૂઆત આવતીકાલે અન્ય લોકો માટે અનુકરણીય બની જશે. સિવાય કે ભાજપ નેતૃત્વ જયેશ રાદડિયા સામે દાખલારૂપ પગલાં ભરીને ભાજપની શિસ્તનો દાખલો બેસાડે.