જો તમારા ખિસ્સામાં પણ 2000ની નોટ હોય તો ખાસ જાણો આ માહિતી, કેમ ATM માંથી ગાયબ થઈ રહી છે?

Share this story

If you have a 2000 note

  • 2000 Rupees Note : ભારતીય કરન્સીમાં સૌથી મોટી નોટ ગણાતી 2000 રૂપિયાની નોટ હવે હાલના દિવસોમાં લોકોના હાથમાં ઓછી જોવા મળે છે. લોકોનું કહેવું છે કે આ નોટ એટીએમમાંથી પણ નીકળતી નથી. આખરે શું છે તેની પાછળનું કારણ?

તમે 2000 રૂપિયાની (2000 Rupees Note) ગુલાબી નોટ છેલ્લે ક્યારે જોઈ હતી? કઈ યાદ છે તમને? જરા યાદ તો કરો કે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ કાઢ્યા બાદ તેના છૂટ્ટા કરાવવા માટે છેલ્લે તમે ક્યારે ઠેર ઠેર ભટકી રહ્યા હતા. કદાચ લાંબો સમય વીતી ગયો હશે. કારણ કે 2000 રૂપિયાની ગુલાબી નોટનું સર્ક્યુલેશન હાલના દિવસોમાં ઓછું થઈ ગયું છે. આપણી કરન્સીની સૌથી મોટી નોટ 2000 રૂપિયાની નોટ વિશે સરકારે સંસદમાં પણ જાણકારી આપી હતી. આ સિવાય પોતાના વાર્ષિક રિપોર્ટમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ (Reserve Bank of India) પણ નોટના સર્ક્યુલેશનમાં આવેલી કમીનું કારણ જણાવ્યું હતું.

સાંસદે પૂછ્યો હતો સવાલ :

માર્ચ 2023માં લોકસભામાં સાંસદ સંતોષકુમારે નાણામંત્રી નિર્મલા સીતારમણને 2000 રૂપિયાની નોટ અંગે સવાલ પૂછ્યો હતો. તેમણે પૂછ્યું હતું કે શું રિઝર્વ બેંકે બેંકો પર 2000 રૂપિયાની નોટને એટીએમમાંથી જારી કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે? જો હાં તો તેની જાણકારી આપવી જોઈએ. આ સાથે જ તેમણે પૂછ્યું હતું કે શું રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટોનું છાપકામ બંધ કરી દીધુ?

નાણામંત્રીએ આપ્યો હતો જવાબ :

જવાબમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું હતું કે ATM માં 2000 રૂપિયાની નોટ ભરવા કે ન ભરવા માટે બેંકોને કોઈ નિર્દેશ અપાયા નથી. બેંક કેશ વેન્ડિંગ મશીનોને લોડ કરવા માટે પોતે જાણે પસંદ  કરે છે. તેઓ જરૂરિયાતની સમીક્ષા કરે છે. નાણામંત્રીએ કહ્યું હતું કે RBI ના વાર્ષિક રિપોર્ટ મુજબ વર્ષ 2019-20 બાદથી 2000 રૂપિયાની નોટનું છાપકામ થયું નથી.

ડિસેમ્બરમાં પણ સંસદમાં ઉઠયો હતો મુદ્દો :

આ અગાઉ ડિસેમ્બર 2022માં ભાજપના નેતા અને રાજ્યસભા સાંસદ સુશીલકુમાર મોદીએ પણ ગત વર્ષ ડિસેમ્બરમાં સર્ક્યુલેશનમાંથી ગાયબ થઈ રહેલી 2000 રૂપિયાની નોટો વિશે સવાલ પૂછ્યો હતો. તેમણે સરકારને પૂછ્યું હતું કે માર્કેટમાં ગુલાબી રંગની 2000ની નોટના દર્શન દુર્લભ થઈ ગયા છે. એટીએમથી પણ નીકળતી નથી. જેના લીધે અફવા છે કે હવે તે કાયદેસર નથી.

હકીકતમાં RBI સરકાર સાથે વાતચીત કર્યા બાદ નોટોના છાપકામ અંગે નિર્ણય લે છે. એપ્રિલ 2019 બાદથી કેન્દ્રીય બેંકે 2000 રૂપિયાની એક પણ નોટ છાપી નથી. જો કે 2000 રૂપિયાની નોટ હજુ પણ સંપૂર્ણ રીતે કાયદેસર છે. એટલે કે ચલણમાં છે. તેના છાપકામ અંગે કોઈ પણ પ્રકારની તાજા જાણકારી હાલ સામે આવી નથી.

આ પણ વાંચો :-