રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે હિન્દુ ધર્મ અંગે એક મોટું અને ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આપણે સમાજનું એક એવું નેટવર્ક બનાવ્યું છે, જેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુ નહીં હોય તો દુનિયા જ નહીં રહે. મણિપુરની મુલાકાતે પહોંચેલા ભાગવતે કહ્યું કે દરેક વ્યક્તિએ પરિસ્થિતિનો વિચાર કરવો પડે છે. પરિસ્થિતિઓ આવે છે અને જાય છે. વિશ્વના તમામ દેશોમાં વિવિધ પ્રકારની પરિસ્થિતિઓ આવી અને જતી રહી. તેમાં કેટલાક દેશોનો નાશ થઈ ગયો. જેમ કે, ગ્રીસ, ઈજિપ્ત અને રોમ બધા નાશ પામ્યા. આપણામાં કંઈક તો ખાસ છે કે આપણું અસ્તિત્વ નાશ નથી પામતું.
ભારતને ગણાવ્યો એક અમર સમાજ
મોહન ભાગવતે કહ્યું કે ભારત એક અમર સમાજ, એક અમર સિવિલાઈઝેશનનુ નામ છે. બાકી તો બધા આવ્યા, ચમક્યા અને જતા પણ રહ્યા. આપણે તેમનો ઉદય અને પતન જોયો છે. આપણે હજું પણ છીએ અને રહીશું કારણ કે આપણે આપણા સમાજનું બેઝિક નેટવર્ક બનાવ્યું છે. તેના કારણે હિન્દુ સમાજ રહેશે. જો હિન્દુઓ નહી રહેશે તો દુનિયા જ નહીં રહેશે. ધર્મનો સાચો અર્થ અને માર્ગદર્શન વિશ્વને સમય-સમય પર હિન્દુ સમાજ જ આપે છે. આ આપણને ઈશ્વર દ્વારા આપવામાં આવેલું કર્તવ્ય છે.
બ્રિટિશ સામ્રાજ્યનું આપ્યું ઉદાહરણ
RSS પ્રમુખે કહ્યું કે બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ ક્યારેય અસ્ત નહોતો થતો, પરંતુ ભારતમાં તેમના સૂર્યાસ્તની શરૂઆત થઈ. તેના માટે આપણે 1857 થી 1947 સુધી એમ 90 વર્ષ સુધી પ્રયાસ કર્યા હતા. આપણે બધા આટલા લાંબા સમય સુધી સ્વતંત્રતા માટે લડ્યા. તે અવાજને આપણે ક્યારેય દબાવા ન દીધો. ક્યારેક ઓછો થયો, ક્યારેક વધી ગયો, પરંતુ ક્યારેય તેને દબાવા ન દીધો. દરેક સમસ્યાનો અંત શક્ય છે. તેના માટે તેમણે નક્સલવાદનું ઉદાહરણ આપતા કહ્યું કે જ્યારે સમાજે નક્કી કર્યું કે તે હવે સહન નહીં થાય, ત્યારે તેનો અંત પણ આવી ગયો.