Thursday, Oct 23, 2025

‘હું ચૂંટણી નહીં લડું, પાર્ટીએ જે કહ્યું છે એ જ કરીશ…’ પ્રશાંત કિશોરની મોટી જાહેરાત

2 Min Read

વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત બાદ બિહારમાં રાજકીય ધમધમાટ પુરજોશમાં શરુ થઇ ગયો છે, રાજકીય રણનીતિકારમાંથી રાજકારણી બનેલા પ્રશાંત કિશોરની નવી બનેલી જન સુરાજ પાર્ટી આ ચૂંટણીમાં મોટો ઉલટફેર કરવા સતત તૈયારી કરી છે. એવામાં પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરએ મોટી જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે પક્ષના હિત માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રશાંત કિશોરે કરી સ્પષ્ટતા
પ્રશાંત કિશોરે સ્પષ્ટ કર્યું કે, તે ચૂંટણી મેદાનમાં નહીં ઉતરે. પરંતુ, જન સુરાજ જો 150 બેઠક નહીં જીતે તો તેને તે પોતાની વ્યક્તિગત હાર માનશે. પ્રશાંત કિશોરે કહ્યું કે, ‘ના, હું ચૂંટણી નહીં લડું. પાર્ટીએ જે નિર્ણય લીધો છે, એ જ કરીશ. હું એ જ સંગઠનાત્મક કામ શરૂ રાખીશ જે પાર્ટીના મોટા હિત માટે અત્યાર સુધી કરતો રહ્યો છું. જો જન સુરાજ 150થી ઓછી બેઠક લાવે છે તો આ મારી હાર હશે અને જો આનાથી વધારે બેઠક મળી તો તે બિહારની જનતાની જીત હશે.’

બિહારના રાજકારણમાં ઐતિહાસિક પગલું
વધુમાં તેમણે કહ્યું કે, ‘જો જન સુરાજની સરકાર બની તો બિહારના રાજકારણમાં એક ઐતિહાસિક પગલું લેવામાં આવશે. સરકાર બનતા જ 100 સૌથી ભ્રષ્ટ નેતા અને ઓફિસરો પર કાર્યવાહી કરવા માટે નવો કાયદો બનાવવામાં આવશે. આ એવા નેતા અને અધિકારીઓ માટે ચેતવણી છે, જે પ્રાર્થના કરી રહ્યા છે કે જન સુરાજ સત્તામાં ન આવે. કારણ કે, જો જન સુરાજની સરકાર બની તો તેમના ખરાબ દિવસોની શરૂઆત થઈ જશે.’

આરજેડી અને લાલુના પરિવાર પર સીધો પ્રહાર
લાલુ યાદવ અને આરજેડી પર પ્રહાર કરતા પ્રશાંત કિશોરે કહ્યું કે, લાલુ પરિવાર પર આટલા ભ્રષ્ટાચારના આરોપ અને ચાર્જશીટ છે કે, હવે લોકો તેને વાંચતા પણ નથી. આરજેડી અને લાલુ પરિવારે એટલા કૌભાંડો કર્યા છે, એટલા કેસ ચાલી રહ્યા છે કે હવે લોકો તેને સમાચાર પણ નથી માનતા. આ જ કારણ છે કે, બિહારને હવે નવા રાજકારણની જરૂર છે.’

Share This Article