Friday, Oct 24, 2025

ઇઝરાયલ-ગાઝા સંઘર્ષમાં માનવતાવાદી દુર્ઘટના, ખોરાક માટે તરસતાં 798 લોકોના મોત

3 Min Read

ઇઝરાયલ અને ગાઝા વચ્ચે ચાલી રહેલ લડાઈ હવે માત્ર સૈન્યસ્તર સુધી સીમિત રહી નથી, પરંતુ સામાન્ય નાગરિકો માટે જીવલેણ બની ગઈ છે. યુદ્ધના કારણે ગાઝામાં ઊભો થયેલો માનવ સંકટ સતત વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિના દરમિયાન હજારો લોકો ગાઝામાં મૃત્યુ પામ્યા છે. પરંતુ ઉલ્લેખનીય છે કે લોકો ફક્ત હમાસ અને ઇઝરાયલ વચ્ચેના હિંસક અથડામણમાં જ નહીં પણ ખોરાક અને પાણી જેવી મૂળભૂત જરૂરિયાતોને પૂરું પાડવા જતા પણ જીવ ગુમાવી રહ્યા છે.

સહાય મેળવતા લોકોની ગોળીબારમાં મોત
11 જુલાઈ, 2025ના રોજ જાહેર કરાયેલા યુનાઇટેડ નેશન્સ હ્યુમન રાઇટ્સ ઑફિસ (OHCHR)ના અહેવાલ અનુસાર, ઓછામાં ઓછા 798 પેલેસ્ટિનિયનો ખોરાક અને પાણી મેળવવા જતા માર્યા ગયા છે. જેમાંથી 615 લોકો એવા વિસ્તારોમાં મૃત્યુ પામ્યા છે જ્યાં યુએસ અને ઇઝરાયલ સમર્થિત ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (GHF)ના સહાય કેન્દ્રો કાર્યરત છે. બાકીના 183 લોકોના મૃત્યુ અન્ય રાહત જૂથોના કાફલાની નજીક થયેલા છે. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે મોટા ભાગના મોત ગોળીબારના કારણે થયા છે, જે માનવતાવાદી ધોરણોનું ઊલંધન છે.

GHF તરફથી અક્ષેપોને ફગાવવાનો પ્રયાસ
GHF એ યુએનના આંકડાઓને ખોટા ગણાવ્યા છે અને દાવો કર્યો છે કે તેમના કામમાં કોઈ ખામી નથી. તેઓએ જણાવ્યું કે છેલ્લા પાંચ અઠવાડિયામાં તેઓએ 70 મિલિયનથી વધુ ફૂડ પેકેટ વિતરણ કર્યા છે. તેમનું કહેવું છે કે મદદ લાવતી ટ્રકો પર થયેલા ઘાતક હુમલાઓ માટે યુએન-સંબંધિત કાફલાઓ જવાબદાર છે. જોકે બીજી તરફ, વર્લ્ડ ફૂડ પ્રોગ્રામે પણ પુષ્ટિ આપી છે કે ઘણી વખત ભુખ્યા લોકોએ ખોરાક ભરેલી ટ્રકો અટકાવી છે અને તેમને લૂંટવાનો પ્રયાસ કર્યો છે, જે માનવ સંવેદનાને સ્પર્શતો મુદ્દો છે.

વિસ્થાપન અને તાત્કાલિક હલની જરૂરિયાત
ગાઝાની વસ્તી લગભગ 2.3 મિલિયન છે અને તેમાંના મોટા ભાગના લોકો લશ્કરી કાર્યવાહીથી વિસ્થાપિત થયા છે. ઇઝરાયલે દાવો કર્યો છે કે હમાસ સુધી સહાય ન પહોંચે તે માટે તેઓ વિશિષ્ટ બંદોબસ્ત કરે છે, પરંતુ હકીકતમાં ખોરાક અને દવાઓની કમીથી સ્થિતિ અત્યંત ભયાનક બની ગઈ છે. યુએનએ ઇઝરાયલને અપીલ કરી છે કે માનવતાવાદી સહાય માટે પૂરતી અને સુરક્ષિત માર્ગસુવિધા સુનિશ્ચિત કરે. માનવ અધિકાર કાર્યાલયે પણ ઘટનાઓની તપાસ કરવાની માંગ સાથે કહ્યું છે કે જ્યારે લોકો માત્ર જીવન બચાવવા માટે સહાય શોધે છે ત્યારે તેમનું મારાઈ જવું અયોગ્ય અને નિર્દય છે.

Share This Article