નાસા અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટમાં 9 મહિના બાદ પૃથ્વી પર સુરક્ષિત પરત આવ્યા છે. નાસા અવકાશયાત્રીને અવકાશ માંથી સુરક્ષિત પરત લાવવાના પડકારજનક આ મિશનમાં સ્પેસએક્સે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. સ્પેસએક્સ માટે આ મિશન પડકારરૂપ અને ખર્ચાળ હતું. સુનીતા વિલિયમ્સની વાપસી પાછળ કેટલો ખર્ચ થયો જેના વિશે જાણવા લોકો ઉત્સુક છે.
નાસા અવકાશયાત્રી સુનીતા વિલિયમ્સ અને બુચ વિલ્મોરને ધરતી પર સુરક્ષિત પરત લાવવા ઘણો ખર્ચ કરવામાં આવ્યો છે. બંને નાસા અવકાશયાત્રી સ્પેસએક્સના ખાસ રોકેટમાં બેસીને પૃથ્વી પર પરત આવ્યા છે. સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટ, જે ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલને ભ્રમણકક્ષામાં લોન્ચ કરે છે, તેનો ખર્ચ 2024 સુધીમાં પ્રતિ લોન્ચ દીઠ લગભગ 6.97 કરોડ ડોલર છે. જો કે, અવકાશયાત્રીઓને સુરક્ષિત પરત લાવવા માટે તૈયાર કરાયેલા ક્રૂ ડ્રેગન કેપ્સ્યુલનો હિસાબ કરીએ તો, કુલ ખર્ચ વધીને 14 કરોડ ડોલર સુધી પહોંચી જાય છે. આ વધારાના ખર્ચમાં જીવન સહાયક પ્રણાલીઓ અને અવકાશ યાત્રા માટે જરૂરી અન્ય મહત્વપૂર્ણ હ્યુમન રેટેડ સેફ્ટીના સાધનો પાછળનો ખર્ચ સામેલ છે.
તમને જણાવી દઇયે કે, સ્પેસએક્સ એ દુનિયાના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની માલિકીની કંપની છે. સ્પેસએક્સ કંપની અવકાશ સંશોધન, સેટેલાઇટ લોન્ચ અને ઇન્ટરનેટ સર્વિસ સેક્ટરમાં કાર્યરત છે. Spaces કંપનીનું પુરું નામ સ્પેસ એક્સપ્લોરેશન ટેક્નોલોજીસ કોર્પ, તે એક અમેરિકન સ્પેસ ટેકનોલોજી કંપની છે જેનું મુખ્ય મથક બ્રાઉન્સવિલે, ટેક્સાસ નજીક સ્ટારબેઝ ડેવલપમેન્ટ સાઇટ પર છે.