ઉત્તરાખંડમાં ભયાનક માર્ગ અકસ્માત, કાર ખાડામાં પડી જતાં ૮ લોકોના કરૂણ મોત

Share this story

ઉત્તરાખંડના નૈનીતાલ જિલ્લાના બેતાલઘાટ ડેવલપમેન્ટ બ્લોકના ઉંચકોટ વિસ્તારમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો, જેમાં કુલ ૮ લોકોના મોત થયા હતા. અહીં એક મેક્સ વાહન ખાડામાં પડી ગયું હતું. આ ઘટના સોમવારે મોડી રાત્રે બની હતી. આ અકસ્માતમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બેતાલઘાટ પોલીસ સ્ટેશનના SHO અનીશ અહેમદે કહ્યું, ‘અમને માહિતી મળતા જ અમે ઘટનાસ્થળે પહોંચી ગયા. ગ્રામજનો અને સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની મદદથી બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. અંધારું હતું અને ખાડો ઊંડો હોવાથી બે કલાક લાગ્યા. આ અકસ્માતમાં સાત નેપાળી અને ડ્રાઈવરના મોત થયા હતા.

બેતાલઘાટ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અનીશ અહેમદે જણાવ્યું કે રાજેન્દ્ર કુમાર મોડી રાત્રે ઉંચકોટના મલ્લગાંવથી પોતાની બોલેરોમાં નેપાળ મૂળના ૧૦ લોકોને લઈને ટનકપુર જઈ રહ્યા હતા. આ દરમિયાન બોલેરો બેકાબૂ બનીને ૨૦૦ મીટર ઉંડી ખીણમાં પડી હતી. માહિતી મળતાં જ બેતાલઘાટ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી હાથ ધરી હતી, જેમાં ડ્રાઈવર સહિત ૮ લોકોના મોતની પુષ્ટિ થઈ હતી. હાલમાં આ જ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.

નેપાળ મૂળના રહેવાસીઓ, જલ જીવન મિશન હેઠળ ઉંચકોટ આવ્યા હતા, જેમાં આજે તમામ લોકો કામ પૂર્ણ કરીને ઘરે પરત ફરી રહ્યા હતા. વાહન પડવાનો અવાજ સાંભળી આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. પોલીસ અને પ્રશાસનને પણ અકસ્માત અંગે જાણ કરવામાં આવી હતી. આ પછી ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સ્થાનિક લોકોની મદદથી બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.