રાજસ્થાનના સિકર પાસે બસ અને ટ્રક વચ્ચે થયેલા ભયાનક અકસ્માતમાં વલસાડ જિલ્લાના અલગ-અલગ ગામોના ચાર લોકોનાં મોત થયા છે, જ્યારે 28 મુસાફરો ઘાયલ થયા છે. તેમાંંથી સાતની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. માહિતી મુજબ, વલસાડ જિલ્લાના 50 જેટલા લોકો ખાનગી લક્ઝરી બસમાં વૈષ્ણવ દેવી મંદિરે દર્શન અને રાજસ્થાન પ્રવાસે નીકળ્યા હતા. બિકાનેર હાઈવે પરથી ખાટુશ્યામ જતા સમયે સિકર પાસે અકસ્માત થયો હતો.
બસમાં કુલ 50 યાત્રાળુ હતા, જેમાં ફલધરા ગામના 18 પ્રવાસી પણ સામેલ હતા. અકસ્માતમાં ડ્રાઇવર અને તેમને રસ્તો બતાવતા એક સ્થાનિક પોલીસકર્મીનો સ્થળ ઉપર જ મૃત્યુ થયો. બે અન્ય મૃતકોની ઓળખ હજી સુધી થઈ નથી. અકસ્માતમાં ઘાયલ 15 લોકોને ગંભીર હાલતમાં સિકર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સ્થાનિક અગ્રણી ફૂલસિંહ પટેલે જણાવ્યું કે તેમને રાત્રે સાડાઅગિયાર વાગ્યે અકસ્માતની જાણ મળી હતી. માહિતી મળ્યા બાદ તેમણે સાંસદનો સંપર્ક કર્યો હતો, જેમણે જયપુરથી તાત્કાલિક મદદ માટે સૂચના આપી. ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ગાડીના માલિકે જણાવ્યું કે જયપુરથી બીજી ગાડી મોકલીને તમામ લોકોને વલસાડ પરત લાવવા માટે આયોજન કરવામાં આવી રહ્યું છે.
ફૂલસિંહ પટેલે વધુમાં જણાવ્યું કે એક યુવકનું અકસ્માતમાં મોત થયું છે. તેના માતા-પિતા તો સાથે જ છે, પરંતુ તેની પત્નીને હજી સુધી ઘટના અંગે જાણ કરવામાં આવી નથી.
ફલધરા ગામના અગ્રણી ભૂપેન્દ્રભાઈએ જણાવ્યું કે ગામના 18 લોકો આ પ્રવાસમાં સામેલ હતા. 2 ડિસેમ્બરના રોજ બસ વલસાડથી નીકળી હતી. વૈષ્ણોદેવીનાં દર્શન બાદ બધા લોકો ગુજરાત પરત ફરી રહ્યા હતા ત્યારે આ ભયાનક દુર્ઘટના બની હતી.