રાજકોટમાં એક કરૂણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ગોંડલ રોડ પર કોરાટ ચોક નજીક ટ્રકે હડફેટે લેતા સાસુ વહુના મૃત્યુ નિપજ્યા છે. ટ્રક ચાલકે બેફામ ટ્રક ચલાવી ટુ-વ્હીલરને હડફેટે લીધું હતું અને ત્યારબાદ અકસ્માત સર્જીને ટ્રક ચાલક ફરાર થયો હતો ગોંડલના વતની સાસુ-વહુના મૃત્યુ થતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જનોઇ પ્રસંગે સાસુ-વહુ રાજકોટ આવ્યા હતા.
રાત્રીના 1:00 વાગ્યા આસપાસ 5 મે 2025 ના રોજ મનોજભાઈ બાવનીયા તેમજ તેમનો પુત્ર વ્યોમ બાવનીયા પોત પોતાની પત્ની સાથે ટુ-વ્હીલર ઉપર રાજકોટ ખાતેથી ગોંડલ પર જઈ રહ્યા હતા. જે દરમિયાન ટ્રક ચાલક દ્વારા રાજકોટ ગોંડલ હાઇવે ઉપર આવેલી કોરાટ ચોકડી પાસે પિતા પુત્રને તેમની પત્નીઓ સાથે અડફેટે લેવામાં આવતા 49 વર્ષીય જ્યોતિબેન બાવનીયા તેમજ તેમની 23 વર્ષીય પુત્રવધુ જાનવી બાવનીયાનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની ઘટનામાં મનોજભાઈ તેમજ તેમના પુત્ર વ્યોમને પણ ઇજા પહોંચતા સારવાર અર્થે રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. તો બીજી તરફ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા જરૂરી પંચનામાની કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ મૃતદેહને પીએમ અર્થે રાજકોટ શહેરના સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.