છત્તીસગઢની રાજધાની રાયપુરમાં મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત થયો છે. જેમાં 13 લોકોના મોત થયા છે અન્ય 12 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 9 મહિલા, 2 બાળકી અને એક કિશોર તથા એક 6 મહિનાનો નવજાતનો સમાવેશ થાય છે. ટ્રેલરમાં જતા લોકો નવજાત શિશુના છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપીને પાછા ફરી રહ્યા હતા. અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
રાયપુરના એસપી લાલ ઉમ્મેદ સિંહે જણાવ્યું હતું કે ચટૌડ ગામના કેટલાક લોકો છઠ્ઠીના કાર્યક્રમમાં હાજરી આપવા માટે બાના બનારસી ગયા હતા. આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેઓ પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન રાયપુર-બાલોદાબજાર રોડ નજીક અકસ્માત થયો. આ અકસ્માતમાં કુલ 13 લોકોના મોત થયા છે. જ્યારે 12 લોકો ઘાયલ થયા છે. આ બધાને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.