‘ઓપરેશન સિંદૂર’ બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેનો તણાવ કચ્છ સરહદે સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. પાકિસ્તાને આદિપુર અને અબડાસાના ધ્રૂફી ગામ નજીક ડ્રોન હુમલાઓ કર્યા, જેમાં એક ડ્રોન તૂટી પડ્યું. ગુરુવારે રાત્રે પણ પાકિસ્તાને જાસૂસી માટે ડ્રોન ઉડાડ્યા, પરંતુ ભારતીય સેનાએ ત્રણ ડ્રોન તોડી પાડ્યા, જ્યારે બે ડ્રોન પાકિસ્તાને પાછા ખેંચ્યા. શુક્રવારે ફરીથી ત્રણ ડ્રોન તૂટી પડ્યા, જેના કારણે કચ્છમાં હાઈ એલર્ટ જાહેર કરાયું. ભારતીય વાયુસેનાના સર્વેલન્સ વિમાનો કચ્છના આકાશમાં સતત ગસ્ત કરી રહ્યા છે. લોકોને ઘરમાં રહેવા અને અફવાઓથી દૂર રહેવા અપીલ કરાઈ છે.
આગોતરી તૈયારીઓ હેઠળ, ભુજની જી.કે.જનરલ હોસ્પિટલમાં 150 બેડ સેના માટે અનામત રખાયા, જ્યારે જામનગરની જી.જી. હોસ્પિટલમાં બેડ અને દવાઓની વ્યવસ્થા કરાઈ. કચ્છ, પોરબંદર, અને બનાસકાંઠામાં એમ્બ્યુલન્સ મોકલાઈ. નાગરિકોએ બેટરી, મીણબત્તી, અનાજ, અને શાકભાજીની ખરીદી વધારી. ગુજરાતના સાત એરપોર્ટ ભુજ, રાજકોટ, પોરબંદર, કંડલા, મુન્દ્રા, જામનગર, કેશોદ આગામી સૂચના સુધી બંધ રાખવામાં આવ્યા છે, જે અગાઉ 15 મે સુધીની જાહેરાત હતી.