Sunday, Dec 21, 2025

ગુજરાતમાં ફરીથી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓ માટે રેડ ઍલર્ટ અપાયું

2 Min Read

ગુજરાતમાં ભારે વરસાદને કારણે સુરતની કીમ નદી અને વડોદરાની નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયો છે.જેના કારણએ અનેક ગામડાઓ પ્રભાવિત થયા છે અને રસ્તાનો સંપર્ક તૂટી ગયો છે. વહીવટીતંત્રે લોકોને સતર્ક રહેવાની ચેતવણી આપી છે.

ગુજરાતના સુરત અને વડોદરા જિલ્લામાં સતત ભારે વરસાદથી પરિસ્થિતિ વધુ વણસી છે. નર્મદા અને કીમ નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થવાને કારણે પૂરનો ભય છે. વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોના લોકોને સતર્ક રહેવાની સલાહ આપી છે.

હવામાન વિભાગ મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ઘણી જગ્યાએ ભારેથી અતિ ભારે વરસાદ પડ્યો છે. જેમ કે, સુરતના ઉમરપાડામાં 8.11 ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે પંચમહાલના જાંબુઘોડામાં સાત ઇંચ, છોટા ઉદેપુરના બોડેલીમાં 6.46 ઇંચ, જેતપુર પાવીમાં 5.71 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ, ભરૂચમાં 5.40 ઇંચ, અંકલેશ્વરમાં પાંચ ઇંચ, તાપીના સોનગઢમાં 4.96 ઇંચ, સંખેડામાં 4.8 ઇંચ, ગરુડેશ્વરમાં 4.72 ઇંચ, તિકલવાડામાં 4.69 ઇંચ, ડભોઈમાં 4.17 ઇંચ, ડેડિયાપાડા અને ખંભાતમાં 3.60 ઇંચ વરસાદ થયો છે.

કયા જિલ્લામાં ચાર દિવસ ભારે વરસાદ પડશે?
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે પાંચમી સપ્ટેમ્બર, શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ તમામ વિસ્તારો માટે રેડ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં કેટલાંક સ્થળે ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. આ જિલ્લાઓને ઑરેન્જ ઍલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે.

આ ઉપરાંત રાજ્યના બાકીના ભાગોમાં છૂટીછવાઈ જગ્યાએ ભારે વરસાદ પડી શકે જેમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડવાની આગાહી છે.

Share This Article