હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાદળ ફાટવાના કારણે 8 લોકોના મોત થયા છે. 50 થી વધુ લોકો ગુમ છે. હવામાન વિભાગે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. જેને લઈને સ્થાનિક વહીવટીતંત્ર સતર્ક થઈ ગયું છે. ભારે વરસાદ બાદ ઊંચાઈવાળા વિસ્તારોમાં ભૂસ્ખલનની ઘટનાઓ વધી છે. બધી પહાડી નદીઓ તોફાની બની છે. પ્રવાસીઓને ભારે વરસાદમાં બહાર ન જવાની સલાહ આપવામાં આવી છે.

હિમાચલ પ્રદેશના મહેસૂલ અને આપત્તિ વ્યવસ્થાપનના વિશેષ સચિવ ધૂની ચંદ રાણાએ જણાવ્યું હતું કે પાણીના જોરદાર પ્રવાહને કારણે બિયાસ નદી પાસેના એક ગામમાં નવ લોકો ફસાયા હતા. જેમને NDRF અને ફાયર બ્રિગેડની ટીમે બચાવી લીધા હતા. હિમાચલમાં આપત્તિમાં 65 મકાનોને નુકસાન થયું છે. જ્યારે 23 પશુઓએ પણ જીવ ગુમાવ્યા હતા. NDRFના 70 જવાનો રામપુરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. તેના ITBP અને SDRFના જવાનો પણ ઓપરેશનમાં રોકાયેલા છે.
વિશેષ સચિવ ધૂની ચંદે કહ્યું કે મલાનામાં પણ 20 થી 25 લોકો ફસાયા હોવાની માહિતી છે. આમાં કેટલાક પ્રવાસીઓ પણ સામેલ છે. જો કે હવે તે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમની સાથે ખાદ્યપદાર્થો પણ ઉપલબ્ધ છે. તેમને પણ શનિવારે સુરક્ષિત બહાર કાઢવામાં આવશે.
હવામાન વિભાગે શુક્રવારે હિમાચલ પ્રદેશના દસ જિલ્લાઓમાં 6 ઓગસ્ટ સુધી ભારે વરસાદ, ગાજવીજ અને વીજળી માટે ‘યલો’ ચેતવણી જારી કરી છે. વિભાગે સંવેદનશીલ વિસ્તારોમાં ભૂસ્ખલન અને અચાનક પૂરની શક્યતાઓ, નીચાણવાળા વિસ્તારોમાં ભારે પવન અને પાણી ભરાવાને કારણે બગીચાઓ અને ઉભા પાક અને મકાનોને નુકસાન થવાની ચેતવણી પણ આપી છે.
આ પણ વાંચો :-