Monday, Dec 22, 2025

કાશ્મીરમાં તાપમાનનો ત્રાસ: 134 વર્ષ બાદ સૌથી ઉંચું તાપમાન નોંધાયું

2 Min Read

કાશ્મીર ખીણમાં હાલમાં ભારે ગરમી પડી રહી છે, જેના કારણે છેલ્લાં 134 વર્ષનો રેકોર્ડ તૂટી ગયો છે. તાજેતરમાં શ્રીનગરમાં તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી ગયું, જે છેલ્લાં 20 વર્ષમાં સૌથી વધુ છે. આશ્ચર્યજનક વાત તો એ છે કે રાત્રે પણ તાપમાન 23 ડિગ્રી સુધી પહોંચી ગયું છે, જે 134 વર્ષમાં સૌથી વધારે છે. આ ભયંકર ગરમીની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર શાસિત પ્રદેશમાં 23 જૂનથી સાત જુલાઈ સુધી તમામ શાળાઓ બંધ કરી દેવામાં આવી છે.

વહીવટી તંત્રને હાલની હીટ વેવ (ઉચ્ચ તાપમાનની લહેર)ની સ્થિતિને કારણે કાશ્મીરની તમામ શાળાઓ બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો છે. જૂન અને જુલાઈમાં પણ ગરમી અને ભેજ યથાવત રહેશે તેવી શક્યતા છે. હવામાન વિભાગ (IMD) દ્વારા આ પરિસ્થિતિને ગંભીર મોસમી ઘટના તરીકે વર્ગીકૃત કરવામાં આવી છે, જેમાં તાપમાન સામાન્ય કરતાં પાંચથી આઠ ડિગ્રી વધુ નોંધાયું છે. નિષ્ણાતોનું માનવું છે કે આ સ્થિતિ સીધી રીતે જલવાયુ પરિવર્તન (કલાયમેટ ચેન્જ) અને વૈશ્વિક તાપમાનને પરિણામે છે.

આ અસામાન્ય ગરમી પાછળના અનેક કારણો નીચે મુજબ છે:

  • કાશ્મીર યુનિવર્સિટી દ્વારા 2024માં કરાયેલા અભ્યાસ અનુસાર 1980 પછી કાશ્મીરમાં 5 ડિગ્રી સેલ્સિયસનો તાપમાન વધારો નોંધાયો છે.
  • શ્રીનગરમાં વધતું કોન્ક્રીટીકરણ શહેરમાં “અર્બન હીટ આઇલેન્ડ” અસરનું કારણ બન્યું છે, જ્યાં ઇમારતો વધુ ગરમી શોષી લે છે.
  • ઉપગ્રહ ડેટા અનુસાર 2000થી 2025 દરમિયાન શ્રીનગરમાં હરિયાળો વિસ્તાર 12 ટકા ઘટ્યો છે.
  • છેલ્લાં 10 વર્ષમાં જમ્મુ-કાશ્મીરમાં સ્નો ફોલમાં 18 ટકા ઘટાડો થયો છે, જેને કારણે જમીન વધુ ગરમી શોષી રહી છે.
  • આ વર્ષે ખાસ કરીને શિયાળામાં વરસાદ પણ ખૂબ ઓછો થયો છે. જૂનમાં 83 ટકા ઓછો વરસાદ નોંધાયો છે, જેને કારણે કુલ વરસાદમાં 26 ટકા ઘટાડો થયો છે.
Share This Article