રાજકીય બાબતો પર ટિપ્પણીઓ કરવા માટે જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા ફરી વિવાદમાં છે. એક શો દરમિયાન કુણાલ કામરા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર ટીપ્પણી કરી હતી, જેના કારણે શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા છે. મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી એક હોટેલમાં કુણાલ કામરાનો આ શો શૂટ કરવામાં આવ્યો હતો, રવિવારે શિવસેનાના કાર્યકરોએ હોટેલમાં તોડફોડ કરી હતી. ત્યાર બાદ શિવસેનાના નેતાઓએ ધમકીઓનો મારો ચલાવ્યો છે.
હેબિટેટ સ્ટેન્ડ-અપ કોમેડી સેટ પર તોડફોડ કરવા બદલ શિવસેના યુવા સેના (શિંદે જૂથ) ના મહાસચિવ રાહુલ કનાલ અને અન્ય 19 લોકો સામે FIR નોંધવામાં આવી હતી. આ કેસ બીએનએસ અને મહારાષ્ટ્ર પોલીસ અધિનિયમની વિવિધ કલમો હેઠળ નોંધવામાં આવ્યો છે.
શિવસેનાના કાર્યકરોએ કોમેડિયન કુણાલ કામરાની ધરપકડની માંગ કરી. જોકે, પોલીસે હજુ સુધી પુષ્ટિ કરી નથી કે કોમેડિયન વિરુદ્ધ સત્તાવાર એફઆઈઆર નોંધવામાં આવી છે કે નહીં. પોલીસે જણાવ્યું હતું કે શિવસેનાના કાર્યકરોએ મુંબઈના ખાર વિસ્તારમાં આવેલી હોટેલ યુનિકોન્ટિનેન્ટલમાં તોડફોડ કરી હતી. અહીં કામરાએ એક શોમાં એકનાથ શિંદેને ‘દેશદ્રોડી’ કડીને તેમની મજાક ઉડાવી હતી.
તોડફોડની ઘટના અને ધમકીઓ બાદ શિવસેના (UBT) ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ પણ પ્રતિક્રિયા આપી છે. તેમણે ‘X’ પર લખ્યું, “પ્રિય કુણાલ, હિંમત રાખજો. તમે જે માણસ અને ગેંગનો પર્દાફાશ કર્યો છે તે તમારી પાછળ પડશે, અને તેમના વેચાયેલા માણસો પણ. વોલ્ટેરે કહ્યું હતું ~ ‘હું તમારા વિચારો સાથે અસંમત હોઈ શકું છું, પરંતુ તમને બોલવાનો અધિકાર છે અને હું તેનો મૃત્યુ સુધી બચાવ કરીશ.’
કુણાલ કામરાએ તેમના શો દરમિયાન ફિલ્મ ‘દિલ તો પાગલ હૈ’ના એક સુધારેલા ગીતની મદદથી ડેપ્યુટી સીએમ શિંદેની મજાક ઉડાવી હતી. કામરાએ સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મ X પર પણ આ વીડિયો ક્લિપ શેર કરી હતી. વાસ્તવમાં, કામરા 2022માં એકનાથ શિંદે દ્વારા કરવામાં આવેલા બળવાનો ઉલ્લેખ કરી રહ્યા હતા.