શહેરમાં અચાનક બેભાન થયા બાદ મોત થવાનો સિલસિલો યથાવત્ રહ્યો છે. આવા કિસ્સામાં વધુ ત્રણના મૃત્યુ થયા છે. સિંગણપોરમાં ફાર્માસિસ્ટનું બેભાન થયા બાદ મોત થયું હતું તથા અલથાણ ટેનામેન્ટમાં રહેતા રત્નકલાકારનું છાતીમાં દુખાવો બાદ બેભાન થતા મોત થયું હતું. સહારા દરવાજા સ્થિત રહેતો યુવક બેભાન થયા બાદ મોતને ભેટ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ સિંગણપોર ચાર રસ્તા નજીક આવેલા રાધાસ્વામી સોસાયટીમાં રહેતા 36 વર્ષીય કનૈયાભાઈ શંકરભાઈ મસ્કરા ફાર્માસિસ્ટ હતા. તેઓને સંતાનમાં બે પુત્રી છે. ગઈકાલે બપોરે કનૈયાભાઈ ઘરે બેભાન થઈ ગયા હતા. તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. કનૈયાભાઈનું હાર્ટ એટેકની મોત નિપજ્યું હોવાની શક્યતા છે.
બીજા બનાવમાં મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ભટાર અલથાણ ટેનામેન્ટ ખાતે રહેતા 35 વર્ષીય પ્રશાંત સુભાષ ભાવસાર હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે નોકરી કરી પત્ની અને બે પુત્રી સહિતના પરિવારનું ભરણપોષણ કરતો હતો.
ગઈકાલે રાત્રે પ્રશાંતને ઘરે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ બેભાન થઈ ગયો હતો. તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.
ત્રીજા બનાવમાં મૂળ પશ્વિમ બંગાળના વતની અને હાલ સહારા દરવાજા નજીક સોનિયા નગરમાં રહેતા 36 વર્ષીય હરબેરીસિંગ રાજપુત હમાલી કામ કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતો હતો. આજે સવારે હરબેરી ઘરે એકાએક બેભાન થઈ ઢળી પડ્યો હતો. તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હરબેરીસિંગનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની શક્યતા છે.