તાપી જિલ્લાના સોનગઢના ગુણસદા ગામ ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી પહોંચી બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. આ દરમિયાન મંચ પરથી સંબોધનમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ભોળા આદિવાસીઓને ખોટી રીતે ધર્મપરિવર્તન કરાવનારાઓ માટે કાયદામાં કોઇ છટકબારી નહીં બચે.
હર્ષ સંઘવી તાપી જિલ્લા ખાતે ચાલી રહેલ મોરારીબાપુની રામકથામાં ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આજે હોળીના તહેવાર નિમિત્તે હાજરી આપીને બાપુના શીર્ષ આશીર્વાદ મેળવ્યા હતા. સાથે સમગ્ર તાપી જિલ્લાના લોકોને હોળીના તહેવારની શુભકામનાઓ પાઠવી હતી. તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી દ્વારા જાહેર મંચ પરથી એક મોટું નિવેદન કરવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારના ભોળા આદિવાસી લોકોને અમુક તત્વો દ્વારા ફોસલાવીને ખોટા રસ્તે લઈ જનાર લોકો પર સરકાર દ્વારા ગંભીર પગલા લેવામાં આવશે. જેમાં પણ ખાસ કરીને જો જિલ્લામાં ધર્મ પરિવર્તનને લઈને કોઈ પણ પ્રકારની પ્રવૃતિઓ કરીને ખોટી રીતે ફસાવવામાં આવશે તેવા લોકોને કાયદાની કોઈપણ બારી નહીં બચે.
સોનગઢ તાલુકામાં જ જોતજોતામાં 500 ચર્ચ બની ગયા ઉલ્લેખનીય છે કે તાપી જિલ્લાના સોનગઢ અને વ્યારા તાલુકા તેમજ સુરત જિલ્લાના માંડવી તાલુકામાં મોટી સંખ્યામાં ચર્ચ અને ખ્રિસ્તીઓના પ્રેયર સ્થાન ઊભા કરી દેવામાં આવ્યાં છે. એક-એક ગામમાં એકથી બે ચર્ચ અને પ્રેયર સ્થાન ઊભા કરી દેવામાં આવ્યાં છે. આ બાબત જણાવે છે કે ખ્રિસ્તી ધર્મના અનુયાયીઓની સંખ્યામાં ધરખમ વધારો થયો છે. ખાસ કરીને તાપી જિલ્લાના વ્યારા, સોનગઢ, ડોલવણ અને ઉચ્છલમાં મોટા પાયે આદિવાસીઓએ ખ્રિસ્તી ધર્મ અપનાવી લીધો છે. સોનગઢ તાલુકામાં 500 કરતાં વધારે ચર્ચ, વ્યારા તાલુકામાં 200 કરતાં વધારે ચર્ચ, ડોલવણ અને ઉચ્છલ તાલુકામાં 100-100 સૌથી વધારે ચર્ચ બનાવવામાં આવ્યાં હોવાનો અંદાજ છે.