નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. સીઈસી રાજીવ કુમાર નિવૃત્ત થતાં જ્ઞાનેશ કુમાર ને ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે બઢતી આપવામાં આવી છે. એક વર્ષ પહેલા તેઓ ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયા હતા અને સોમવારે એમને સીઈસી બનાવ્યા છે. જમ્મુ અને કાશ્મીર પુન:ગઠન તેમજ રામ મંદિર ટ્રસ્ટની સ્થાપના સહિતમાં એમણે મુખ્ય ભૂમિકા ભજવી હોવાથી તેઓ મોદી સરકારની ગૂડ બુકમાં હોવાનું મનાય છે. અહીં જાણો તેમના વિશે વધુ વિગત.
જ્ઞાનેશ કુમારે ચાર્જ સંભાળ્યા પછી મતદારોને સંબોધતા કહ્યું હતું કે રાષ્ટ્ર નિર્માણ માટેનું પહેલું પગલું મતદાન છે. બંધારણ મુજબ ચૂંટણી પંચ હંમેશાં મતદારોની પડખે ઊભું રહ્યું છે. દેશના નિર્માણ માટે પહેલું કદમ મતદાન છે, તેથી દેશના દરેક નાગરિક કે જેમણે અઢાર વર્ષની ઉંમર પૂરી હોય તેમણે પણ મતદાન કરવું જોઈએ.
જ્ઞાનેશ કુમાર જાન્યુઆરી 2024માં સહકાર મંત્રાલયમાં સચિવ તરીકે નિવૃત્ત થયા હતા અને માર્ચ 2024માં ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. મંગળવારે સાંજે રાજીવ કુમાર નિવૃત્ત થયાના એક દિવસ પછી તેઓ 26મા સીઈસી તરીકે શપથ લેશે. સુખબીર સિંહ સંધુ સાથે કુમારને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન બંને ચૂંટણી પંચનો ભાગ હતા.
નિવૃત્ત સિનિયર સનદી અધિકારી જ્ઞાનેશ કુમાર નવા મુખ્ય ચૂંટણી કમિશનર બન્યા છે. તેમનો કાર્યકાળ 26 જાન્યુઆરી 2029 સુધી રહેશે. આ સમયગાળા દરમિયાન તેઓ 20 વિધાનસભા ચૂંટણી, 2027 માં રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણી તેમજ 2029 ની લોકસભા ચૂંટણી સહિતની ચૂંટણી પંચની કામગીરીનું નેતૃત્વ કરશે.
ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત થયાના લગભગ એક વર્ષ પછી, જ્ઞાનેશ કુમારને સોમવારે મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) તરીકે બઢતી આપવામાં આવી. મંગળવારે નિવૃત્ત થનારા રાજીવ કુમારના અનુગામી તરીકે નવા સીઈસીની પસંદગી માટે વડા પ્રધાનના નેતૃત્વ હેઠળની ઉચ્ચ-સ્તરીય પેનલની બેઠકના કલાકો પછી કુમારની નિમણૂકની જાહેરાત કરવામાં આવી હતી .