અમેરિકામાં ક્રાઈમની ઘટનાઓ દિવસે ને દિવસે વધી રહી છે, અને તેમાં ભારતીય સમુદાયના કેટલાક લોકો પણ સંડોવાતા જોવા મળી રહ્યા છે. તાજેતરમાં, એક ગુજરાતી યુવક અને યુવતી યુએસમાં કથિત ઠગાઈ કરતાં રંગેહાથ ઝડપાયા છે. કન્ટકીમાં બનેલી આ ઘટનામાં મોન્ટિસેલો પોલીસ ડિપાર્ટમેન્ટે બે ભારતીય મૂળના શખ્સોને અરેસ્ટ કર્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી 37 વર્ષીય અમિત પટેલ અને 28 વર્ષની દિશા પટેલ જ્યોર્જિયાના ડાલ્ટનના રહેવાસી છે, જે કન્ટકીમાં કેશથી ભરેલું પાર્સલ કલેક્ટ કરવા માટે આવ્યા હતા. 19 માર્ચ, 2025ના રોજ, જયારે તેઓ કેશ સાથે ફરતા હતા ત્યારે મોન્ટિસેલો પોલીસે તેમના પર નજર રાખી હતી. બંને આરોપીઓ એક કારમાં સવાર હતા અને પોલીસે તેમને ઈલ્ક સ્ટ્રીટ નજીક રોકી લીધા હતા.
આ કેસમાં એક વૃદ્ધાની ફરિયાદ પર કાર્યવાહી કરવામાં આવી. વિક્ટિમનું કમ્પ્યુટર એકદમ બ્લોક થઈ ગયું હતું અને તેને એક પોપ-અપ મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે “તમારું કમ્પ્યુટર હેક થઈ ગયું છે, તાત્કાલિક સંપર્ક કરો!” જયારે તેણે આ નંબર પર ફોન કર્યો, ત્યારે એક યુવક અને યુવતીએ પોતાને ફેડરલ ટ્રેડ કમિશન (FTC) ના અધિકારી તરીકે રજૂ કર્યા અને વૃદ્ધાને બલી બનાવ્યો.
ફ્રોડ કરનારા લોકોના જણાવ્યા અનુસાર વિક્ટિમે માર્ચ 14ના રોજ બેંકમાંથી 52 હજાર ડોલર વિડ્રો કર્યા હતા અને તેની સ્લીપ પણ ફેક FTC એજન્ટ્સની સાથે શેર કરી હતી, ત્યારબાદ વિક્ટિમને તમામ પૈસા જૂતાના બોક્સમાં ભરીને પોતાના ઘરની બહાર મૂકી દેવા માટે જણાવ્યું હતું. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ્સ અનુસાર નક્કી કરેલા દિવસે અને સમયે વિક્ટિમના ઘર પાસે એક કાર આવી હતી જેની પાછળની સીટમાં તેમણે કેશથી ભરેલું બોક્સ મૂકી દીધું હતું.
વિક્ટિમ પાસેથી પહેલીવાર માર્ચ 17ના રોજ 32,000 ડોલર પડાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ માર્ચ 19ના રોજ આ જ રીતે તેમની પાસેથી વધુ 50,000 ડોલર કલેક્ટ કરાયા હતા, બંને વાર પૈસા લેવા માટે અમિત પટેલ અને દિશા પટેલ જ વિક્ટિમના ઘરે ગયા હતા અને તેમની ગાડી પણ સેમ જ હતી. જોકે, બંને આરોપીએ બીજીવાર પૈસા કલેક્ટ કર્યા ત્યાં સુધીમાં પોલીસને તેમની કરતૂતની જાણ થઈ ચૂકી હતી અને માર્ચ 19ના રોજ તેઓ કેશથી ભરેલું બોક્સ લઈને નીકળ્યા તે જ વખતે પોલીસે પણ તેમનો પીછો શરૂ કર્યો હતો અને એક સ્પોટ પર તેમને અટકાવીને કારની તપાસ કરવામાં આવતા તેમાંથી કેશથી ભરેલું બોક્સ મળી આવ્યું હતું.
આવું કરતૂતોના કારણે ગુજરાતી સમુદાયની પ્રતિષ્ઠા દૂષિત થાય છે. અમેરિકામાં આવા કેસો વધતા જતાં ગૃહવિભાગ હવે ભારતીય લોકોને ગંભીરતાથી સ્કેન કરી રહ્યા છે. આવા બનાવો ભારતીય મૂળના લોકો માટે વિદેશમાં નકારાત્મક છાપ ઉભી કરે છે.