ગુજરાતમાં હોટલ, ગેસ્ટ હાઉસ, પીજી અને હોસ્ટેલમાં રોકાતા મુસાફરોની ઓળખ પ્રક્રિયામાં હવે મોટો ટેકનોલોજીકલ ફેરફાર આવ્યો છે. રાજ્ય પોલીસ વિભાગ દ્વારા વિકસિત ‘પથિક’ સોફ્ટવેરને UIDAI આધારિત ડેટાબેઝ સાથે સીધું જ જોડવામા આવ્યું છે ને એનાજ ડેમોસ્ટ્રેશન માટે હાલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેસીપી શરદ સિંધલ અને અજીત રાજીયન દિલ્હીની મુલાકાતે પહોંચ્યા છે .
અગાઉ હોટલોમાં રહેતા મહેમાનો પાસેથી ઓળખપત્રની નકલ લેવાતી હતી અને તેની મેન્યુઅલ એન્ટ્રી કરવામાં આવતી હતી. આ પ્રક્રિયા સમય બગડતો હોવા સાથે ભૂલ થવાની સંભાવનાઓ પણ હતી. જે બાબતને ધ્યાને રાખીને હાલ નવી QR કોડ આધારિત ઓળખ પદ્ધતિ પોલીસે અમલમાં મુકી છે. જે હવે થોડી જ સેકન્ડમાં હોટલ, ગેસ્ટ હાઉસ, પીજી અને હોસ્ટેલમાં રોકાતા મુસાફરોની ઓળખની ચકાસણી થઈ જશે અને આના કારણે હોટલ સંચાલકો તેમજ પોલીસ વિભાગ બંને માટે કામગીરી સરળ બની છે.
પથિક સિસ્ટમની મહત્વપૂર્ણ બાબત એ છે કે, તેમાં નાગરિકોની પ્રાઇવસીનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. આ વ્યવસ્થામાં મુસાફરોનો આધાર નંબર ક્યાંય સંગ્રહિત થતો નથી. તેના બદલે ડિજિટલી સાઈન કરેલી વિગતો અને ફોટોગ્રાફના આધારે ઓળખ ચકાસણી કરવામાં આવે છે. એટલે કે સુરક્ષા અને ગોપનીયતા – બંનેનું સંતુલન જાળવવામાં આવ્યું છે.
આ ટેકનોલોજીકલ પહેલને રાષ્ટ્રીય સ્તરે પણ નોંધપાત્ર માન્યતા મળી છે. કેન્દ્ર સરકારે દેશભરમાં ટેકનોલોજીના શ્રેષ્ઠ ઉપયોગને પ્રદર્શિત કરવા માટે માત્ર 11 સંસ્થાઓની પસંદગી કરી હતી, જેમાં પોલીસ વિભાગમાંથી એકમાત્ર પસંદગી પામનાર પ્રોજેક્ટ ‘પથિક’ રહ્યો છે. આ પસંદગી ગુજરાત પોલીસ માટે ગૌરવની બાબત માનવામાં આવી રહી છે.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વર્ષ 2017માં પ્રયોગાત્મક રીતે શરૂ કરાયેલો પથિક પ્રોજેક્ટ હવે રાજ્યવ્યાપી અમલમાં આવી ગયો છે. હાલ રાજ્યની 9,000થી વધુ હોટલો આ સિસ્ટમ સાથે જોડાઈ છે અને શરદ સિંધલના દિલ્હીથી પરત આવ્યા બાદ આધાર સાથે આ સોફ્ટવેર વિધીવત રીતે જોડાશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે.
પોલીસ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, પથિક સિસ્ટમથી શહેરોમાં રહેતા અને આવનારા લોકો અંગે તાત્કાલિક માહિતી ઉપલબ્ધ થવાથી સુરક્ષા વ્યવસ્થામાં નોંધપાત્ર સુધારો થશે. સાથે જ હોટલ ઉદ્યોગ માટે પણ આ વ્યવસ્થા સરળ અને સમય બચાવનારુ સાબિત થશે.