ગુજરાત હાઇકોર્ટને ફરી એક વખત ધમકીભર્યો ઈ મેલ મળ્યો છે. આ વખતે હાઇકોર્ટમાં બોમ્બથી હુમલો કરવાની વાત ઈ મેલમાં હોય તેવું જાણવા મળી રહ્યું છે. આ અંગેની જાણ થતા સ્થાનિક પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ હાલ હાઇકોર્ટની સુરક્ષા સંદર્ભે હાઇકોર્ટ પહોંચ્યા છે. જ્યારે અલગ અલગ સ્થળે બોમ્બ સ્કવોડ અને ડોગ સ્કવોડ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ અંગે સોલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ભૂકાણે જણાવ્યું હતું કે હાલ ધમકીભર્યો મેલ હાઇકોર્ટને મળતા અમારા દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
15 દિવસ પહેલા પણ હાઇકોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી
અગાઉ 15 દિવસ પહેલા પણ હાઇકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. હાઇકોર્ટના ઈ-મેલ પર અજાણી વ્યક્તિએ ઈ-મેલ કર્યો હતો. ધમકીભર્યો મેલ મળતા જ હાઇકોર્ટના ગેટ બંધ કરી ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા ચેકિંગ શરૂ કરાયું હતું. 6 BDDS(બોમ્બ ડિટેક્શન ડિસ્પોઝલ સ્ક્વોડ)ની ટીમ દ્વારા સઘન ચેકિંગ કરાયું હતું.
હાઇકોર્ટની સુરક્ષા માટે ડીવાયએસપી કક્ષાના અધિકારીને નિયુક્ત કરવામાં આવ્યા હતા, જેની હેઠળ SRPની બે કંપની તથા ટેક્નિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ મૂકવામાં આવ્યાં હતા.