ગુજરાત હાઈકોર્ટે તથ્ય પટેલને આપ્યો ઝટકો, હંગામી જામીન અરજી ફગાવી

Share this story

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર પોતાની કાર વડે અકસ્માત સર્જનાર તથ્ય પટેલે ફરી એકવાર બહાનાબાજી કરીને હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી, જેની અરજીને હાઈકોર્ટે માન્ય ન રાખીને ફગાવી દીધી હતી. નોંધનીય છે કે, અમદાવાદના ઇસ્કોન બ્રિજ પર તથ્ય પટેલે બેફામ કાર હંકારી 9 લોકોનાં મોત નિપજાવ્યા હતા.

અમદાવાદમાં હિટ એન્ડ રનના આરોપી તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવાઈ છે. ૨૦૨૩ની ૧૯ અને ૨૦ જુલાઈ વચ્ચેની રાત્રિ દરમિયાન એસ.જી. હાઈવે ખાતે ઈસ્કોન બ્રિજ પર પોતાની મોંઘેરી કારને પૂરપાટ ઝડપે દોડાવતાં એક સાથે ૯ લોકોને કચડી નાખનાર તથ્ય પટેલ હવે જામીન માટે વલખાં મારી રહ્યો છે. તેણે જામીન માટે ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરી હતી. તેણે અરજીમાં બહાનું કાઢ્યું કે મને છાતીમાં તકલીફ થાય છે અને હૃદયના ધબકારાં પણ અનિયમિત છે એટલા માટે સારવારની જરૂર છે જેથી મેડિકલ આધારે મને જામીન આપવામાં આવે. આ સામે હાઈકોર્ટના જજે તેની જામીન અરજી ફગાવતાં કહ્યું કે આ તો સામાન્ય બાબત છે. આવું તો થયા કરે. આજના સમયમાં આ નોર્મલ થઇ ગયું છે. તથ્યની જામીન અરજી ફગાવાતા છેવટે તેણે અરજી પાછી ખેંચવી પડી. અગાઉ પણ ટ્રાયલ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ તેની જામીન અરજી ફગાવી ચૂક્યા હતા.

સરકારી વકીલે જણાવ્યું હતું કે તથ્યનો ઇસીજી કરવામાં આવ્યો હતો, જે નોર્મલ આવ્યો છે. તેને જરૂરી ટ્રીટમેન્ટ પણ આપવામાં આવી છે. તથ્યએ અકસ્માતના બનાવ અગાઉ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં આ સંદર્ભે સારવાર લીધી હતી, જેમાં તેને ફક્ત પોણો કલાક દાખલ કરીને દવાઓ આપીને રજા આપી દેવામાં આવી હતી. ટ્રાયલ કોર્ટના આદેશ મુજબ તથ્યની UN મહેતા હોસ્પિટલમાં તપાસ પણ કરાવવામાં આવી હતી. હાઇકોર્ટે કહ્યું હતું કે આજના સમયમાં દરેકના હૃદયના ધબકારા અનિયમિત હોય છે, જે નોર્મલ બાબત છે. તથ્યએ સારવાર માટે અને મેડિકલ પેપર મેળવવા માટે જેલ ઓથોરિટીને રજૂઆત કરવાની રહેશે. હાઈકોર્ટે તથ્ય પટેલની હંગામી જામીન અરજી ફગાવી દેવાનું વલણ ધરાવતા અરજદારે પોતાની જામીન અરજી પરત ખેંચી છે.