- કુદરતી મહામારીનો માર ભૂલી શકાય તેવો નથી પરંતુ મિત્રો, શુભ િચંતકોની હૂંફથી મુશ્કેલીનો સમય હેમખેમ પસાર થઈ ગયો
- ભાજપ અને વડાપ્રધાન મોદીની પ્રતિભા ઘડવામાં મીડિયાની ખૂબ મોટી ભૂમિકા હતી ઃ મોદી પણ ‘વિષ્ટા’ની માખી અને ‘મધમાખી’ વચ્ચેનો તફાવત બારીકાઈથી સમજે, છતાં પ્રચાર માધ્યમો સાથે તેમની ઘટતી જતી સંવાિદતા ઘાતક પુરવાર થઈ શકે
આજકાલ કરતાં કરતાં ‘ગુજરાત ગાર્ડિયન’ના ૧૩ વર્ષ પસાર થઈ ગયા, વીતેલા વર્ષોમાં અનેક ઝંઝાવાત આવ્યા અને પસાર થઈ ગયા. ક્યારેક ધ્રુજી પણ જવાયું, પરંતુ ‘ગુજરાત ગાર્ડિયન’નો વફાદાર સ્ટાફ અને વફાદાર અને લાગણીશીલ શુભચિંતકો, મિત્રોની હૂંફથી સંઘર્ષભર્યો સમય પસાર થઈ ગયો. વીતેલા વર્ષોમાં સરકારની નીતિઓ અને માર્કેટમાં મંદીના માહોલને કારણે અનેક સંસ્થાઓ હાંફી ગઈ, અનેક લોકો બેરોજગાર બની ગયા, અનેક કારખાનાને તાળા વાગી ગયાં, નોટબંધી, જીએસટી અને કોરોનાના મારથી બેવડ વળી ગયેલા વેપારી સંસ્થાનો, કારખાનાઓ ફરી મૂળરૂપથી ધમધમતા થઈ શક્યા નથી..!
સરકાર ભલે ૨૫ કરોડ લોકો ગરીબી રેખાથી ઉપર આવ્યાનો દાવો કરતી હોય, પરંતુ ધરતી ઉપરની વાસ્તવિકતા જુદી છે. ‘ગરીબી રેખા’ના માપદંડ બદલવાથી વાસ્તવિકતા બદલાઈ જતી નથી. સરકારની નીતિ શાહમૃગ જેવી છે. સામે આવી રહેલી આંધીથી બચવા રેતીમાં માથું છુપાવી દેવાથી આફત ટળી જતી નથી, હકીકતમાં હવે લોકોને સરકારી દાવાઓમાં વિશ્વાસ રહ્યો નથી અને હવે લોકો વિરોધ કે ખુલાસા કરવામાં પણ માનતા નથી. જ્યારે સ્થિતિ બદલાવાની જ નથી તો પછી પરિસ્થિતિ સાથે અનુકૂળ થઈને જીવવામાં વધારે મજા આવે છે.અન્ય વેપાર, ઉદ્યોગ અને અખબારી માધ્યમો વચ્ચે ખૂબ મોટો તફાવત છે. પ્રચાર માધ્યમોની લોક લાગણીનો પડઘો પાડવાની પહેલી પ્રાથમિક અને પવિત્ર ફરજ છે. રોજબરોજની ઘટનાઓ લોકો સુધી પહોંચાડવા સાથે લોકોની મનની વાત અને જાહેર જનતાની લાગણી સરકાર અને જાહેર સંસ્થાઓ સુધી પહોંચાડવા ઉપરાંત ‘જનમત’ ઊભો કરવાની પ્રચાર માધ્યમોની પહેલી અને નૈતિક ફરજ છે, પરંતુ સરકારની વર્તમાન નીતિઓને પગલે બહુમત પ્રચાર માધ્યમો મૌન રહેવામાં ઉચિત માને છે, પરંતુ બીજી તરફ પ્રજા સાથે દ્રોહ કરી રહ્યા છે અને એટલે જ આજે સોશ્યલ મીડિયાના પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. આ એક એવું માધ્યમ છે કે જેની ઉપર નૈતિકતાની કોઈ જ લગામ નથી અને ક્યારેક સાવ જુઠ્ઠાણું ચલાવવામાં આવે છે. એકે મોકલ્યું એટલે બીજાએ પણ મોકલ્યું અને ત્રીજો, ચોથો વાત સમજ્યા વગર આગળ ધકેલતો રહે છે અને એટલે તદ્દન જુઠ્ઠાણાની હારમાળાને લોકો સાચુ માની લે છે. આજકાલ આવી ઘટનાઓ રોજબરોજની બની ગઈ છે. કારણ મોબાઈલ ફોન હાથવગુ સાધન છે. તેને સમય અને સ્થળની પણ મર્યાદા નથી.
ખેર, વાસ્તવિકતા એ છે કે, આિદ-અનાિદકાળથી પ્રચાર માધ્યમો અનિવાર્ય અંગ હોવા છતાં સરકાર અને પ્રચાર માધ્યમો વચ્ચે મોટી ખાઈ સર્જાઈ રહી છે અને આ ખાઈ રોજબરોજ વધુ ને વધુ પહોળી બની રહી છે. બીજી તરફ જુઠ્ઠાણાઓને વધુ બળ મળી રહ્યું હોવાથી એક દિવસ સરકાર અને પ્રજા વચ્ચેની કડી ભાંગીને ભુક્કો થઈ જશે. લોકકલ્યાણનાં કામો કરીને ‘લોકમત’ અકબંધ રાખવાને બદલે ચૂંટણીઓ જીતવા ટૂંકા રસ્તા અપનાવવા પડે છે. પરંતુ ભયસ્થાન એ છે કે, બીજી તરફ સુસંસ્કૃત અને બિનસાંપ્રદાયિક સમાજ સમય જતા સંપ્રદાયના વાડામાં વહેંચાઈ જવાથી નિર્દોષ પ્રજા હિંસાની આગમાં સળગતી રહેશે. સરકારમાં બેઠેલા બુદ્ધિજીવીઓ આ ખેલને સારી રીતે જાણે છે અને આવનારી પેઢીના ધૂંધળા ભવિષ્ય માટે ચિંતારત પણ છે, પરંતુ આવો વર્ગ લઘુમતીમાં છે અને જાણવા છતાં મહાભારતના સહદેવની માફક સરકારને રસ્તો બતાવી શકે એવી સ્થિતિમાં નથી.
‘ગુજરાત ગાર્ડિયન’ના ઉદ્દઘાટન વખતે તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રચાર માધ્યમોની એક તરફ ટીકા એટલે કે પ્રચાર માધ્યમોને જવાબદારીનું ભાન કરાવવા સાથે બીજી તરફ સરાહના કરતા કહ્યું હતું કે, ‘મને વિશ્વાસ છે કે, અહીંયા અખબારનું ઉત્પાદન નહીં થાય, સર્જન થશે.’ નરેન્દ્ર મોદી વિચક્ષણ પ્રતિભા છે, તેમણે દુનિયા જોઈ છે, તેઓ ‘વિષ્ટા’ એટલે ગંદકી ઉપર બેસતી માખી અને ‘મધુમાખી’ વચ્ચેના તફાવતને સારી રીતે જાણે છે, પરંતુ કમનસીબે તેઓ ‘મધુમાખી’ જેવા પત્રકારત્વ સાથે ઘરોબો જાળવી રાખવાનું ચૂકી ગયા છે અથવા તો તેમની નજીકના સલાહકારો તેમને ગુમરાહ કરીને ‘બંદી’ બનાવી રહ્યા છે. કારણ, નરેન્દ્ર મોદીની પ્રતિભાને વિરાટ બનાવવામાં પક્ષ સમાંતર પ્રચાર માધ્યમોનો મોટો ફાળો છે. પ્રચાર માધ્યમોએ જ નરેન્દ્ર મોદીને ‘દેવદૂત’ બનાવી દીધા હતા. પરંતુ કમનસીબે આજે સરકાર અને મીડિયા વચ્ચે ખૂબ મોટું અંતર વધી ગયું. આજે બંને પક્ષે ડરનો માહોલ છે અને આ ડર દૂર કરવાને બદલે તેમાં વધારો થઈ રહ્યો છે.
આ જ કારણોને લઈને સોશ્યલ મીડિયા બેલગામ બનીને સરકાર સામે નિશાન તાકીને બેઠું છે. વળી લોકો પણ ક્રમશઃ સોશ્યલ મીડિયાના બેજવાબદાર પ્રચારનો શિકાર બની રહ્યાં છે. કારણ સરકાર અને પ્રચાર માધ્યમો વચ્ચેનો સંપર્ક ભાંગીને ભુક્કો થઈ ચૂક્યો હોવાથી સરકારની સાચી વાત પણ લોકો સમક્ષ મૂળ સ્વરૂપે આવતી નથી. આવી સ્થિતિ લાંબો સમય ચાલશે તો સરકાર અને પ્રજા બંને પક્ષોએ નુકસાન સહન કરવું પડશે.ખેર, ગુજરાત ગાર્ડિયને કપરા દિવસોમાં પણ નૈતિકતા જાળવી રાખી છે. પોતાના ફાયદા માટે થઈને ક્યારેય પણ ટૂંકા રસ્તા અપનાવવાનો પ્રયાસ કર્યો નથી. વીતેલાં ૧૩ વર્ષમાં અનેક મુશ્કેલીઓ આવી એમાં ‘આર્થિક સંકટ’ ખૂબ મોટી મુશ્કેલી હતી. ક્યારેક એક એક રૂપિયા માટે તડપવું પડતું હતું. પરંતુ નૈતિકતાને કારણે જ બધું પાર પડી ગયું. જ્યારે પગાર કરવાના ફાંફા હતા એવા દિવસોમાં વફાદાર કર્મચારીઓ અડીખમ યોદ્ધા બનીને ઊભા રહ્યા હતા. કોઈ ગમે તે કહે, ‘ગુજરાત ગાર્ડિયન’ પ્રસિદ્ધ થશે જ. આ વિશ્વાસે સંચાલકોનું મનોબળ ટકાવી રાખ્યું અને હવે તો સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પણ ‘ગુજરાત ગાર્ડિયન’ ખૂબ બહોળો વર્ગ છે. દિવસ દરમિયાન અને મધરાત્રે લોકો ‘ગુજરાત ગાર્ડિયન’ની રાહ જોતા હોય છે. વળી અમેરિકા, કેનેડા, યુ.કે., ન્યુઝિલેન્ડ, ડેનમાર્ક અને યુરોપમાં વસતા સુરતી અને ગુજરાતીઓમાં ‘ગુજરાત ગાર્ડિયન’ સતત લોકપ્રિય બની રહ્યું છે.સફરના ૧૩ વર્ષ પૂરા કરીને ૧૪માં વર્ષમાં પ્રવેશની ઘટના ‘ગુજરાત ગાર્ડિયન’ અને શુભચિંતકો માટે રોમાંચક છે. કારણ કે, વીતેલા ડરામણા ભૂતકાળનો ભય હજુ માનસપટ ઉપરથી દૂર થયો નથી. મોતને થાપટ આપીને ઊભી થયેલી વ્યક્તિને પોતે જીવિત હોવાનો અહેસાસ કરાવી ફરી બેઠા થઈને દોડતા કરવાની મિત્રો, શુભચિંતકો અને પરિવારની ફરજ છે. ‘ગુજરાત ગાર્ડિયન’ને સતત દોડતું રાખવા સેંકડો લોકોની શુભ ચિંતાઓ અને દુઆ કામ કરી રહે છે અને છેલ્લે બધા જ દરવાજા બંધ થઈ જાય ત્યારે દૈવી શક્તિ આધાર બનીને આવતી હોય છે. ‘ગુજરાત ગાર્ડિયન’ને ટકાવી રાખવા માટે દૈવી શક્તિ સતત આધાર બની હતી અને આધાર બની રહી છે.