‘ગુજરાત ગાર્ડિયન’એ એક દાયકો પુરો કર્યો, નવા સૂર્યોદયની આશા સાથે આજે બીજા દાયકામાં પ્રવેશ કરશે

Share this story
  •  નોટબંધી, જીએસટી અને કોરોનાની મહામારીના ઘા હજુ રુઝાયા નથી પરંતુ કયાં સુધી રડતા રહીશું?
  • દેશના અન્ય વેપાર અને ઉદ્યોગની સાથે ‘ગુજરાત ગાર્ડિયન’એ પણ આર્થિક મોરચે ઘણાં ઘા સહન કરવા પડ્યા છે પરંતુ એક દિવસ ચોક્કસ સમય કરવટ બદલશે
‘ગુજરાત ગાર્ડિયન’ અખબારનો એક દાયકો પસાર થઈ ગયો. કમનસીબે આ દાયકામાં જ ઐતિહાસિક આફતો આવી હતી અને હજુ પણ આફતનો દોર ચાલું જ છે. પરંતુ આપણે બીજાની મુશ્કેલી તરફ નજર દોડાવીએ અથવા તો બીજાની મુશ્કેલીઓ સમજવાની થોડી કોશિષ કરીએ ત્યારે ચોક્કસ એવું લાગી આવે છે કે બીજા કરતા આપણી મુશ્કેલીઓ ઘણી ઓછી છે અને રડતા જ રહેવાથી મુશ્કેલીઓનો પાર નહીં આવે. ઘણી વખત શરીરમાં એવા રોગ કાયમ માટે પડાવ નાંખે છે ત્યારે એક વાત સમજી લેવી પડે છે કે હવે બીમારી સાથે જ જીવવાનું છે. મતલબ કે હવે ગરીબ, મધ્યમ, શ્રમજીવી વર્ગે એક વાત સમજી લેવી પડશે કે પડી ભાંગેલી દેશની અર્થવ્યવસ્થા નજીકના ભવિષ્યમાં સુધરવાની શક્યતા નથી.
નોટબંધી અને જીએસટી લાગુ પાડવામાં આવ્યા ત્યારે એમ લાગતું હતું કે ભારતમાં આર્થિક કટોકટી લાંબો સમય નહીં ચાલે ખરેખર તો નોટબંધી અને જીએસટી પેટ ચોળીને શૂળ ઉભું કરવા જેવી ઘટના હતી પરંતુ ઇતિહાસમાં નામ કરવા માટે સરકારને કોઇક બહાદુરી કરવાનું સૂઝયું અને બહાદુરી કરી પણ બતાવી અને સરકારે અર્થવ્યવસ્થા સાથે કરેલી છેડછાડ દેશના નાગરિકોને કેટલી મોંઘી પડી એ કદાચ શાસકોને નહીં સમજાય.
વળી વિરોધ કરવાનો પણ કોઇ મતલબ નહોતો કારણ કે સરકારે આંખ અને કાન બંધ કરી લીધા હતા. આ તરફ લાચાર પ્રજાએ સરકારના નિર્ણયને મનથી કે કમનથી માથે ચઢાવ્યા વગર છુટકો નહોતો. લોકોના મનમાં એવી ભ્રમણા હતી કે આવતીકાલે સારા દિવસો આવશે અને આવી આશામાં દિવસો કાપી રહ્યા હતા. કહેવાની જરૂર નથી કે નોટબંધી અને જીએસટીના દુષ્પરિણામ રૂપે કેટલાય લોકો કંગાળ થઈ ગયા અને અનેક લોકોએ આપઘાત કરી લીધા. આમ છતાં સરકાર હંમેશા એવું ઠરાવી રહી છે કે તેમના નિર્ણયો જ યથાયોગ્ય હતા, વળી સામે હરીફ પક્ષે કોંગ્રેસ સહિતના વિપક્ષો પણ સાવ ‘નમાલા’ પુરવાર થયા હતા. પ્રજાની વેદના સરકારને સાંભળવાની ફરજ થઈ પડે એવું કંઇપણ કરી શકયા નહોતા અને આખો દેશ ભાંગી પડેલા અર્થતંત્રની ખાઇમાંથી બચવા તરફડીયા મારી રહ્યો હતો.
પરંતુ નસીબ લઇને જન્મેલી સરકાર માટે કોરોનાની મહામારીએ ભાંગી પડેલા અર્થતંત્રની બધી જ વાતો ભુલાવી દીધી હતી. કોરોનાની મહામારી દેશ અને દુનિયા માટે કેટલી વિનાશક પુરવાર થઈ હતી એના માટે દાખલા આપવાની જરૂર નથી. કોરોનામાં અનેક લોકો બરબાદ થઈ ગયા. ઘણા પરિવારોએ સામૂહિક આપઘાત પણ કરી લીધા. અનેક કારખાના માલિકો શેઠ બનીને નોકર બની ગયા પરંતુ આ બધા માટે સરકારને દોષ આપી શકાય તેમ નથી કારણ આખું વિશ્વ આ કોરોના નામના દૈત્યનું ભોગ બન્યું હતું.
ખેર, હજુ પણ કોરોના સાવ સમાપ્ત થયો નથી. ભારત સરકારે કરોડો લોકોને વેક્સિન આપીને કોરોના સામે રક્ષણ આપવાનું સરાહનીય કામ કર્યું છે. ત્રણ ત્રણ વર્ષથી ૮૦ કરોડ લોકોને વિનામૂલ્યે અનાજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. સરકારના આ માનવીય અભિગમની અવગણના કરી શકાય તેમ નથી. પરંતુ વેપાર ઉદ્યોગને બેઠા કરવા અને કરોડો લોકોને રોજગારી આપવા આર્થિક ઉદારીકરણની નીતિથી સરકાર પીછેહઠ કરી રહી છે બલ્કે મોંઘવારીમાં સબડતા લોકો ઉપર ટેક્ષનું ભારણ વધારી રહી છે કોઇ એક ક્ષેત્ર એવું બચ્યું નથી કે જ્યા ટેક્ષ વસુલવામાં આવતો નહીં હોય. વેપાર, ધંધા કરતા લોકોને ઘણી વખત એવું લાગતું હશે કે તેઓ ટેક્ષના નાણા ભરવા માટે જ વેપાર ધંધા કરી રહ્યા છે. એ વળી ટેક્ષ ભરવામાં થોડો વિલંબ થાય તો સરકારી તંત્રોની ‘પઠાણી ઉઘરાણી’ શરૂ થઈ જાય છે. અને વિરોધ કરવામાં આવે તો સરકારી તપાસ એજન્સીઓ ઘરના દરવાજે જ ઉભી હોય છે.
આવી સ્થિતિ વચ્ચે દેશ આખો જીવી રહ્યો છે. વેપાર, ઉદ્યોગને આઝાદી મળવાની આશા સાવ ધૂંધળી બનતી જાય છે, જાણે ‘ગુલામ’ હોય એ રીતે લોકો ભાર વેંઢારી રહ્યા છે.
‘ગુજરાત ગાર્ડિયન’ પણ આવા અનેક વિકટ સંજોગોમાંથી પસાર થયું અને હજુ કેટલા વિકટ સંજોગો પાર કરવાના હશે તેનો દાવો કરી શકાય તેમ નથી.
પરંતુ એક વાતનો ચોક્કસ સંતોષ લઇ શકાય કે ‘ગુજરાત ગાર્ડિયન’ સાથે દિલથી નાતો ધરાવતા લોકો ખરેખર ‘ગાર્ડિયન’ બનીને ઉભા રહેતા આવ્યા છે અને આવા ‘ગાર્ડિયન’ના સહારે જ ‘ગુજરાત ગાર્ડિયન’ જીવી ગયું છે અને જીવતું રહ્યું છે. અનેક સંકટો આવ્યા અને પાર કરી ગયા.
દેશની કથળેલી આર્થિક અર્થવ્યવસ્થાની દરેક ક્ષેત્રોની માફક ‘ગુજરાત ગાર્ડિયન’ને પણ અસરો પહોંચી છે પરંતુ જ્યાં કુવામાં જ પાણી ન હોય તો અવેડામાં કેવી રીતે આવવાનું? સમગ્ર ઉદ્યોગ જગત આર્થિક સમસ્યા ભોગવી રહ્યું હોય ત્યારે ‘ગુજરાત ગાર્ડિયન’ જેવી સંસ્થાઓને પણ અસરો થવાની જ પરંતુ પરિસ્થિતિ સામે ઝૂકી જવા કરતા લડતા રહીશું તો એક દિવસની સવારે કરવટ બદલતો સૂર્યોદય ચોક્કસ થશે.
સદનસીબે ‘ગુજરાત ગાર્ડિયન’ને વફાદાર અને પ્રમાણિક ટીમ મળી હોવાથી સંકટના દિવસો પણ ઝડપથી પસાર થઈ રહ્યા છે. વફાદાર કર્મચારીઓ અને પ્રમાણિક મિત્ર વર્તુળોએ જ ‘ગુજરાત ગાર્ડિયન’ને ધબકતું રાખ્યું છે. અને આવનારા વર્ષોમાં પણ ધબકતું રાખશે એવો ચોક્કસ વિશ્વાસ છે.
વળી ‘ગુજરાત ગાર્ડિયન’ની પહેલી ઇંટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુકી હતી અને આ વાતનું પણ ‘ગુજરાત ગાર્ડિયન’ પરિવારને ગૌરવ છે.
આ પણ વાંચો –