ગુજરાતની ચૂંટણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની કસોટી કરશે

Share this story
  • ગુજરાતમાં ભૂતકાળમાં પોતીકા લોકોએ સરકારો ઉથલાવી હતી પરંતુ મતદારો ક્યારેય ભાજપથી વિમુખ થયા નહોતા
  • કેશુબાપા, આનંદીબેન, વિજય રૂપાણી સહિતની સરકારોનું કોના કારણે પતન થયું હતું એ કહેવાની જરૂર નથી પરંતુ લોકોએ ભાજપનો સાથ છોડ્યો નહોતો
  • ઉમેદવાર કોઇપણ હોય લોકો ભાજપ અને મોદીના નામે મત આપતા આવ્યા છે પરંતુ આ વખતની સ્થિતિને ઓળખી શકાય તેમ નથી
  • ઉમેદવારો બદલવા માટે આક્રોશ શેરીઓમા આવે અેવું પહેલી વખત બની રહ્યુ છે અને આવી ઘટનાઓ રોકવાની જવાબદારી બીજા કોઇની નહીં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વ્યુહ રચનાના ખેલાડી ગણાતા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની છે અને સમય જતા થાળે પડી જશે એવો વિશ્વાસ પણ છે
ગુજરાત ભાજપમાં બળવાખોરી અને ભાજપે પસંદ કરેલા ઉમેદવારો સામે જાહેરમાં નારાજગીની ઘટના પ્રથમવાર બનવા જઈ રહી છે. આ ઘટનાઓ એક વાત પુરવાર કરે છે કે ભાજપનું નેતૃત્વ સમયસર અને સમયને પારખીને નિર્ણય લેવામાં આળસ કરી ગયું છે. ભાજપ સરકારમાં બળવાખોરી નવાઈની વાત નથી. ભૂતકાળમાં આખીને આખી સરકારો ઉથલાવી દેવામાં આવી હતી અને તેમ છતાં ભાજપની સામાજિક ઈમેજ અને લોકો એટલે કે મતદારો ભાજપથી વિમુખ થયા નહોતા. બળવાખોરી અને સરકારો પડી ભાંગ્યા પછી પણ લોકોએ ભાજપે પસંદ કરેલા ઉમેદવારોને જીતાડ્યા છે. પરંતુ આ વખતે સૌપ્રથમ વખત ભાજપનાં ઉમેદવારો સામેની નારાજગી જાહેરમાં વ્યક્ત કરવામાં આવી રહી છે અને એટલે જ સ્થિતિ ચિંતાજનક બની રહી છે.
ગુજરાતની આજપર્યન્તની ભાજપની સરકારો બીજા કોઈએ નહીં  એટલે કે વિપક્ષોએ નહીં પરંતુ ભાજપનાં લોકોએ જ ઉથલાવી છે. વળી અપવાદરૂપ નરેન્દ્ર મોદીને બાદ કરતાં એકપણ ભાજપની સરકારનાં મુખ્યમંત્રીએ પાંચ વર્ષ પુરા કર્યા નથી. એક માત્ર નરેન્દ્ર મોદીએ સળંગ ૧૨ વર્ષ ગુજરાતમાં શાસન કર્યું હતું. પરંતુ તેઓ પણ પોતીકી કેશુબાપાની સરકારને ઉથલાવીને ગુજરાતનાં મુખ્યમંત્રીની ગાદીએ બેઠા હતા.
ગુજરાતમાં ભાજપનો પાયો નાંખવાનો ખરેખર શ્રેય કેશુબાપાની પેઢીને આપી શકાય પરંતુ કેશુબાપાની સરકારમાં પણ પોતીકા લોકોની દખલને કારણે કેશુબાપા સ્થિર સરકારી આપી શક્યા નહોતા. વ્યક્તિગત રીતે વિનમ્ર અને સાલસ સ્વભાવ સ્વીકારી શકાય પરંતુ જ્યારે સરકાર ચલાવવાની હોય ત્યારે પોતીકા લોકોને પણ દૂર કરવા પડે આ વાત કેશુબાપા જાણતા હતા પરંતુ અમલમાં મુકી શક્યા નહોતા. અને એટલે જ શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને ખજુરાહોકાંડ કરી કેશુબાપાને ગાદીએથી ઉથલાવ્યા હતા.
પરંતુ શંકરસિંહ વાઘેલા પાસે લોકોનું નહીં માત્ર અસંતુષ્ટોનું સમર્થન હતું અને એટલે જ માંડ માંડ એક વર્ષમાં તો શંકરસિંહ બાપુએ રાવટી સંકેલી લેવી પડી હતી. ત્યાર પછી બાપુએ અનેક રાજકીય ઘર માંડ્યા પરંતુ હજુ સુધી ઢળતી ઉંમરે પણ ઠેકાણે પડ્યા નથી. ઘણાં લોકો બાપુને મળવા જાય છે અને ભૂતકાળનાં રાજકારણની વાતો સાંભળીને મજા લે છે. અન્યથા ગુજરાતમાં ભાજપનો પાયો નાંખવામાં શંકરસિંહ બાપુ પણ સૌથી અગ્રસ્થાને હતા.
શંકરસિંહ બાપુનાં બળવા પૂર્વે કેશુબાપાએ ૧૯૯૫નાં વર્ષમાં આઠ માસ અને ત્યાર બાદ ૧૯૯૮થી ૨૦૦૧ ત્રણ વર્ષ માટે સરકાર ચલાવી હતી પરંતુ ક્યારેય પણ પાંચ વર્ષ પૂર્ણ કર્યા નહોતા. શંકરસિંહ બાપુનાં બળવા બાદ વચ્ચે થોડો સમય રાષ્ટ્રપતિ શાસન પણ રહ્યું હતું અને એક દિલીપ પરીખ પણ મુખ્યમંત્રી પદે આવી ગયા હતા.
ગુજરાતમાં ૧૯૯૫નાં વર્ષમાં ભાજપની સૌપ્રથમ સરકાર બની હતી. ૨૦૦૧નાં વર્ષમાં કેશુબાપાની સરકારનાં પાંચ વર્ષ પૂર્ણ થવાને હજુ બે વર્ષ બાકી હતા પરંતુ ત્યાર પહેલા ૭/૧૦/૨૦૦૧નાં રોજ કેશુબાપાને રાજીનામુ આપવાની ફરજ પાડીને નરેન્દ્ર મોદીએ ગુજરાતનાં મુખ્યમંત્રીનો તાજ પહેરી લીધો હતો અને સળંગ ૧૧ વર્ષ ગુજરાત સરકારનાં મુખ્યમંત્રી પદે રહ્યા હતા. ગુજરાતમાં શાસન દરમિયાન પણ નરેન્દ્ર મોદીનો પક્ષમાં અને સરકારમાં ગજબનો ધાક હતો. સાથે લોકોમાં પોતાની અને ભાજપની લોકપ્રિયતા પ્રસ્થાપિત કરવામાં નરેન્દ્ર મોદી ગજબનાં ખેલાડી પુરવાર થયા હતા. નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા તેમ છતાં વિશ્વનાં દેશોમાં મોદીનાં નામની ચર્ચાઓ ચાલતી હતી. મોદીને સાંભળવા લોકો શેરી, મહોલ્લામાં ઉભા રહી જતા હતા. પરંતુ નરેન્દ્ર મોદીએ ગુજરાત છોડ્યા બાદ ગુજરાત ભાજપની હાલત અને સંગઠન સતત નબળા પડી રહ્યાં છે અને ભાજપનાં પોતીકા લોકો જ પોતાની સરકારો ઉથલાવતા આવ્યા છે.
નરેન્દ્ર મોદી દેશનાં વડાપ્રધાન બન્યા બાદ ગુજરાતનાં મુખ્યમંત્રી પદે આનંદીબેનની વરણી કરવામાં આવી હતી. ગુજરાતને સૌપ્રથમ વખત મહિલા મુખ્યમંત્રી મળ્યા હતા અને એ પણ પાટીદાર સમાજમાંથી આવતા હતા અને છતાં કહેવાની જરૂર નથી કે આનંદીબેનને કોણે ઉથલાવ્યા હતા. આજે ભાજપનો ભગવો પહેરીને બેસી ગયેલા પાટીદાર આંદોલન ‘પાસ’નો નેતા હાર્દિક પટેલ હતો. પરંતુ હાર્દિક પટેલની એવી કોઈ હેસિયત નહોતી કે સમગ્ર ગુજરાતમાં ‘પાટીદાર અનામત’નાં નામે આંદોલન ચલાવી શકે.
પાટીદાર યુવાનોના આંદોલનની આડમાં ભાજપનાં જ કેટલાંક સત્તાલાલચુઓએ ગુજરાતને ભડકે બાળ્યું હતું. કરોડો રૂપિયાની જાહેર મિલકતોને નુકસાન પહોચાડ્યું હતું. ઉપરાંત પાટીદાર સમાજનાં એક-બે નહીં ૧૧ નવલોહિયા અને નિર્દોષ  પાટીદાર યુવાનો શહીદ થઈ ગયા અને તેમ છતાં પરિણામ શું આવ્યું? લાંબા વિવાદને કારણે મુખ્યમંત્રી પદેથી આનંદીબેનને ઉથલાવવામાં આવ્યા પરંતુ આંદોલનનાં પડદા પાછળનાં સત્તા ભૂખ્યા ચહેરાને મુખ્યમંત્રીની ખુરસી હરગીજ મળી નહોતી. એક વ્યક્તિની સત્તાની હવસ સમાજને કેટલી હદ સુધી ગૂમરાહ કરી શકે તેનું આંદોલન જીવંત ઉદાહરણ હતું. વળી આંદોલનને કારણે ગુજરાતની સામાજિક એકતાને પણ ખુબ મોટો ધક્કો પહોંચ્યો હતો. પરિણામે ગુજરાતમાં કોમવાદની વાત છોડો, જાતિવાદની આગ હજુ ઓલવાઈ નથી.
રાજકોટમાં ભાજપનાં ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામેની નારાજગી પણ જાતિવાદની આગનું એક કારણ માનવું પડે અને લાંબી દૃષ્ટિએ જોવામાં આવે તો ગુજરાતમાં જાતિવાદની આગ ભડકાવવા પાછળનાં ચહેરાઓને ‘બેનકાબ’ કરવાની જરૂર છે પરંતુ બીજાનું ઘર સળગાવીને પોતાનાં હાથ શેકનારા ચહેરાઓ ક્યારેય પણ જાહેરમાં નહીં આવે.
પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપા પણ જીવતા રહ્યાં ત્યાં સુધી એક જ સવાલ પૂછતા હતાં ‘મારો વાંક શું હતો?’ એજ રીતે આનંદીબેન પટેલનો પણ શું વાંક હતો? એ કોઈ સમજાવી શકે તેમ નથી.
નવાઈ તો એ વાતની છે કે, કેશુબાપા અને આનંદીબેન પટેલને ગુજરાતની ગાદીએ જાળવી રાખવામાં પોતીકો સમાજ જ પડખે રહ્યો નહોતો. કેશુબાપાએ જીપીપી એટલે ‘ગુજરાત પરિવર્તન પાર્ટી’ બનાવી એ પૂર્વે એક-બે નહીં ૪૫ પાટીદાર ધારાસભ્યોનું તેમની પાસે બળ હતું. પરંતુ એ ૪૫ પૈકી એકલ દોકલને બાદ કરતાં એકપણ પાટીદાર ધારાસભ્ય તેમની પડખે ઊભો રહ્યો નહોતો. બલ્કે પાટીદાર સમાજનાં ધૂરંધર આગેવાનો પણ નરેન્દ્ર મોદીની પડખે બેસી ગયા હતા અને વર્ષ ૨૦૦૭ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી પૂર્ણ બહુમતી અને વધુ મજબૂત બનીને મુખ્યમંત્રી પદે ઉભરી આવ્યા હતા.
ખેર, આનંદીબેન પટેલની વિદાય બાદ વર્ષ ૨૦૧૬માં વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનાવાયા હતા અને બે ટર્મ મળીને વિજય રૂપાણીની સરકાર પાંચ વર્ષ ચાલી હતી. પરંતુ બીજી વખતની ટર્મમાં અધુરી સરકારે ગાદી છોડવી પડી હતી. કારણ વિજય રૂપાણી સરકારમાં આંતરિક વિવાદ ઉપરાંત ગુજરાત પ્રદેશ ભાજપનાં પ્રમુખ સી.આર. પાટીલ સાથે સુમેળ સાધવામાં વિજય રૂપાણી ઉણા ઉતર્યા હતા અને તેમને ૨૦૨૧નાં વર્ષનાં સપ્ટેમ્બર માસની ૧૨મી તારીખે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવાની ફરજ પડી હતી.
ખરેખર તો આ રાજીનામુ નહીં પરંતુ ‘ના-રાજીનામુ’ હતું પરંતુ વિજય રૂપાણી વધુ વિવાદમાં પડ્યા વગર દૂર જતાં રહ્યાં હતાં અને તા.૧૩/૦૯/૨૦૨૧નાં દિવસે કોઈએ વિચાર્યું પણ નહીં હોય એ રીતે ભૂપેન્દ્ર પટેલ અચાનક ચર્ચામાં આવ્યા હતા અને તેમની ઉપર મુખ્યમંત્રીપદનો કળશ ઢોળવામાં આવ્યો હતો. દાદા ભગવાનમાં અખૂટ શ્રદ્ધા ધરાવતા ભૂપેન્દ્ર પટેલ પણ ‘દાદા’ના નામથી ઓળખાય છે. વિનમ્ર અને સાલસ સ્વભાવના છે. તેઓ પેટ ચોળીને શૂળ ઉભુ કરવામાં માનતા નથી. પરંતુ સરકારનાં મુખીયા તરીકે જશ-અપજશનો ટોપલો તેમની માથે આવે એ સ્વભાવિક છે. ગત વિધાનસભાની ચૂંટણી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમની સાથે અડીખમ ઉભા હતા અને એટલે ગુજરાતમાં ભાજપે રેકોર્ડ તોડીને ૧૫૬ બેઠકોનો નવો વિક્રમ હાંસલ કર્યો હતો અને આનો યશ ભૂપેન્દ્ર પટેલનાં કપાળે લખાયો હતો.
પરંતુ આ વખતે લોકસભાની ચૂંટણી વખતે ભૂપેન્દ્ર પટેલની હાલત ‘એકલવીર’ જેવી છે. તેમની સાથે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની પણ કસોટી થઈ રહી છે. કારણ ગુજરાત ભાજપમાં ભૂતકાળમાં ક્યારેય થયું નહોતુ તેવું આ વખતે થઈ રહ્યું છે. બનાસકાંઠા, વડોદરા, રાજકોટ, અમરેલી સહિત અન્ય બેઠકો ચિંતા કરાવનારી છે. રાજકોટમાં પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિયોમાં આગ ભડકે બળી રહી છે. ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ ખાંડા ખખડાવી રહી છે. અમરેલી બેઠક, સાબરકાંઠા અને વડોદરા બેઠકનાં ઉમેદવારોને લઈને આગ ધુંધવાઈ રહી હોવાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલની રાજકીય પ્રતિષ્‍ઠા દાવ ઉપર લાગી છે.
એક તરફ સી.આર. પાટીલ પ્રત્યેક એટલે કે તમામે તમામ ૨૬ બેઠકો પાંચ લાખની લીડથી જીતવાનો દાવો કરી રહ્યાં છે. બીજી તરફ ભાજપનાં ઉમેદવારો સામે ધુંધવાઈ રહેલી આગ એક બે બેઠકનું નુકસાન પહોંચાડશે તો પણ મુખ્યમંત્રી અને સી.આર.પાટીલની પ્રતિષ્ઠા દાવ ઉપર લાગી જશે. કારણ કે આ વખતે ગુજરાત જીતવાની જવાબદારી બીજા કોઈની નહીં મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષની હોવાથી મામલો ઝડપથી થાળે પાડવામાં નહીં આવે તો દેશનાં રાજકારણમાં ગુજરાતનાં નામે ભાજપ નેતાગીરી  માટે નીચે જોવા જેવું થશે અને તેના માટે બીજા કોઈનાં માથે દોષ ઢોળી શકાશે નહીં.
સી.આર. પાટીલ હંમેશા કટોકટીના સમયમાં કામ કરવા ટેવાયેલા હોવાથી આ વખતે પણ રાજકીય મુશ્કેલી ચોક્કસ પાર કરી જશે.