ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)ને મોટી સફળતા મળી છે. દેશની સુરક્ષાને લગતી ગુપ્ત માહિતી પાકિસ્તાની જાસૂસોને પૂરી પાડતા 2 લોકોની ધરપકડ કરીને જાસૂસી નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. પકડાયેલા બે જાસૂસોમાંથી એક મહિલા અને એક પૂર્વ આર્મી જવાનનો સમાવેશ થાય છે.
ગુજરાત ATSએ ગોવા અને દમણથી જાસૂસી કરતા 2 આરોપીની ધરપકડ કરી છે. ATSએ ગોવાથી રશ્મિન રવિન્દ્ર પાલ નામની મહિલાની ધરપકડ કરી છે, જ્યારે દમણમાંથી એ.કે સિંહ નામના વ્યક્તિની ધરપકડ કરી છે. બંને આરોપીઓ જાસૂસી કરતા હતા. આરોપીઓ સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને માહિતી ભેગી કરતા હતા. હાલ બંને ધરપકડ કરવામાં આવી છે. ATS દ્વારા આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને આરોપીઓ પાકિસ્તાનની જાસૂસી સંસ્થાઓના સંપર્કમાં હતા અને દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં સક્રિય હતા. પૂર્વ આર્મી સુબેદાર એ.કે. સિંહ પર પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા માટે મદદ કરવાનો ગંભીર આક્ષેપ છે. બંને જાસૂસ દેશના સંવેદનશીલ વિસ્તારની જાસૂસી કરીને ગુપ્ત માહિતી લીક કરતા હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત ATSને મળી હતી બાતમી
7 નવેમ્બર, 2025ને શુક્રવારે સવારે ગુજરાત ATS પાસે માહિતી આવી હતી કે રાષ્ટ્રવિરોધી ગતિવિધિઓમાં સંડોવાયેલો અહમદ મોહ્યુદ્દીન સૈયદ નામનો એક શંકાસ્પદ શખ્સ ગુજરાત આવ્યો છે. ત્યારબાદ ATSની ટીમે બાતમીને વેરિફાઇ કરી અને ટેક્નિકલ એનાલિસિસ કરીને તેની મૂવમેન્ટ ચેક કરી. સવારથી રાત સુધી ચાલેલી આ મથામણમાં પહેલા તો કોઈ ખાસ સફળતા મળી નહોતી, પરંતુ રાત્રે લગભગ 9:00 વાગ્યાની આસપાસ અહમદ મોહ્યુદ્દીનની મૂવમેન્ટ કલોલ તરફ જોવા મળી, જેથી ATSની ટીમે તેને પકડવા માટે જાળ બિછાવી હતી. ગુજરાત ATS હવે આ નેટવર્કના અન્ય લોકો સુધી પહોંચવા અને તેમણે અત્યાર સુધીમાં કેટલી અને કઈ કઈ સંવેદનશીલ માહિતી લીક કરી છે તે જાણવા માટે તપાસ કરી રહી છે.