ગુજરાતમાં GST કાયદાનો દુરૂપયોગ કરીને કરદાતાઓ સાથે છેતરપિંડીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. તાજેતરમાં, રાજ્યભરમાં 145 બોગસ પેઢીઓના માધ્યમથી 1814 કરોડ રૂપિયાના ખોટા બીલો બનાવી દેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડમાં સંડોવાયેલા મુખ્ય આરોપી મોહંમદ સુલતાન યુસુફ કાપડીયાની સુરત ઇકોસેલ પોલીસે મુંબઈના મીરા રોડ વિસ્તારમાંથી ધરપકડ કરી છે.
આ કેસની શરૂઆત 2024માં થઈ હતી, જ્યારે સેન્ટ્રલ GST વિભાગે સુરત ક્રાઇમ બ્રાંચમાં મોટાપાયે કરચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ બાદ સમગ્ર કેસ ઇકોસેલ પોલીસને સોપવામાં આવ્યો હતો. તપાસમાં ખબર પડી કે આરોપીઓ મોહંમદ રઝા ગભરાણી અને મોહંમદ સુલતાન કાપડીયાએ અલગ અલગ ફેક પેઢીઓ ઉભી કરી, ખોટા GST બીલો બનાવ્યા અને ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો ચલાવ્યા.
આર્થિક નુકસાન અને આરોપીઓના કાવતરાંઆ ગુનાની ગંભીરતા એ છે કે આ ખોટા બીલો દ્વારા સરકારે કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું. પોલીસ તપાસમાં કુલ 1814 કરોડના ખોટા બીલો બનાવાયા હોવાની વિગતો મળી છે. આ કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવનારા મોહંમદ રઝા ગભરાણીની અગાઉ જ ધરપકડ થઈ હતી, જે હાલમાં જેલમાં છે. તેની પૂછપરછમાં મુંબઇ નિવાસી મોહંમદ સુલતાન કાપડીયા અને ઇમરાનના નામ બહાર આવ્યા હતા.
હવે સુલતાન કાપડીયાની ધરપકડ થયા બાદ, પોલીસ દ્વારા ઇમરાન સહિત અન્ય આરોપીઓ પર તપાસને તેજ કરાઈ છે. ઇકોસેલના ACP જી.એ. સરવૈયાએ જણાવ્યું કે, આ કૌભાંડમાં વધુ લોકો સામેલ હોવાની સંભાવના છે અને જલદી વધુ આરોપીઓ સામે પગલાં લેવામાં આવશે. પોલીસે અનુમાન લગાવ્યું છે કે આ જ પ્રકારના અન્ય કૌભાંડો પણ બહાર આવી શકે છે, જેની તપાસ ચાલુ છે.
આ કેસ માત્ર એક નમૂનો છે કે કેવી રીતે ટેક્સ કાયદાનો દુરૂપયોગ કરીને ગેરકાયદેસર ધંધા કરવામાં આવે છે. આવાં કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરીને, સરકારને આર્થિક નુકસાનથી બચાવવું જરૂરી બની જાય છે.