જન્માષ્ટમીના તહેવારને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC) એટલે કે ST વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં યોજાતા મેળાઓમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડતા હોય છે, ત્યારે મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ન પડે તે માટે વધારાની બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે, જન્માષ્ટમી તહેવાર માટે કુલ 1,200 જેટલી એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે.
આ વધારાની બસો મુખ્યત્વે અમદાવાદ, રાજકોટ, સુરત, મહેસાણા અને વડોદરા જેવા વિભાગોમાં દોડાવવામાં આવશે. ખાસ કરીને, જન્માષ્ટમીના તહેવાર માટે ડાકોર, દ્વારકા અને શામળાજી જેવા પ્રસિદ્ધ કૃષ્ણ મંદિરોમાં જતાં મુસાફરો માટે વિશેષ બસોનું સંચાલન કરવામાં આવશે. જન્માષ્ટમી નિમિત્તે અમદાવાદથી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, તેમજ દાહોદ, ગોધરા અને પંચમહાલ જેવા વિસ્તારોમાં જવા માટે પણ વધારાની બસો ઉપલબ્ધ રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષે પણ આ રક્ષાબંધન અને જન્માષ્ટમી દરમિયાન 6,000 થી વધુ ટ્રીપો દોડાવવામાં આવી હતી, જેનો લાભ 3.15 લાખથી વધુ મુસાફરોએ લીધો હતો. આ વર્ષે પણ GSRTC એ વધુ મુસાફરોને સુવિધા આપવા માટે આયોજન કર્યું છે.