Saturday, Mar 7, 2026

એરલાઇન્સની ઉઘાડી લૂંટ સામે સરકાર મૌન? કટોકટીમાં મુસાફરો પર વધતો ભાર

3 Min Read

ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે અચાનક ફાટી નીકળેલા યુધ્ધના કારણે દુબઇ, અબુધાબી, બહેરીન અને ઇઝરાયલ સહિતના દેશોમાં ફસાયેલા લોકો સરકાર પાસે બચાવવાની ગુહાર લગાવી રહ્યા છે. ત્યારે ભારતીય એરલાઇન્સ કંપનીઓએ વધુ એક વખત માનવતા નેવે મુકી ઉઘાડી લૂંટ શરૂ કરી છે અને કેન્દ્ર સરકાર ફરી એક વખત મુકપ્રેક્ષક બનીને તમાસો નીહાળી રહી છે. દેશમાં ઇન્ડિગો કટોકટી વખતે આંખો મીચી ગ્રાહકોને લૂંટવા દીનાર સરકાર યુધ્ધ વખતે પણ ઉઘાડી લૂંટ ચલાવતી એરલાઇન્સ કંપનીઓ સામે ધુતરાષ્ટ્રનીતિ અપનાવી રહી છે.

દુબઈમાં છેલ્લા સાત દિવસથી ફસાયેલા ગુજરાતી પર્યટકોની મુશ્કેલીઓ વધતી જઈ રહી છે. દુબઈ એરપોર્ટ પર અનેક ભારતીયો, ખાસ કરીને ગુજરાતના પર્યટકો સ્વદેશ પરત આવી શકતા નથી.

દુબઈ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશનને લઈને કડક એડવાઇઝરી હોવાને કારણે અનેક મુસાફરો વિકલ્પ તરીકે ફુજૈરાહ, શારજાહ અને અબુધાબી એરપોર્ટ તરફ વળી રહ્યા છે. આ એરપોર્ટો વચ્ચેનું અંતર કાર દ્વારા એકથી બે કલાકનું છે. આમ છતાં દરેક એરપોર્ટની અલગ-અલગ એડવાઇઝરીને કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પરિસ્થિતિનો લાભ લઈને કેટલીક ઇન્ટરનેશનલ એરલાઈન્સ અને બુકિંગ એજન્ટો દ્વારા મુસાફરો પાસેથી ભારે ભાડા વસૂલવામાં આવી રહ્યા હોવાનું પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે અમદાવાદથી દુબઈની રિટર્ન ટિકિટ 20 થી 25 હજાર રૂૂપિયામાં મળી રહે છે, જ્યારે હાલ દુબઈથી અમદાવાદ માટે માત્ર વન-વે ટિકિટના ભાવ 60 થી 70 હજાર રૂૂપિયા સુધી પહોંચી ગયા છે. બીજી તરફ ફુજૈરાહથી ઉપડતી ચાર્ટર્ડ ફ્લાઇટ માટે પ્રતિ મુસાફર લગભગ 85 હજાર રૂૂપિયા સાથે 18 ટકા GST વસૂલવામાં આવી રહ્યો છે.

દુબઈમાં મર્યાદિત દિવસો માટે પર્યટક તરીકે આવેલા ગુજરાતીઓ પાસે મર્યાદિત ખર્ચ હોય છે. જો કે અચાનક ફસાઈ જવાને કારણે હોટલનું ભાડું, ખાવા-પીવાનું, ટેક્સી અને મોબાઈલ રોમિંગ જેવા ખર્ચોમાં સતત વધારો થઈ રહ્યો છે. મુસાફરો દ્વારા ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવામાં આવે ત્યારે વોટ્સએપ પર માત્ર ઓટો જનરેટેડ જવાબ મળતા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી છે. ઇમેઇલ દ્વારા પણ માત્ર સામાન્ય સલામતી સૂચનાઓ આપવામાં આવે છે, જ્યારે રહેવા કે પરત ફરવાની વ્યવસ્થા અંગે કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં આવતી નથી.

દુબઈમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે તાત્કાલિક સ્પેશિયલ ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવે અને વ્યાજબી ભાવે ટિકિટ ઉપલબ્ધ કરાવવામાં આવે. હાલમાં ફસાયેલા પર્યટકોમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે

Share This Article