ગુજરાત વિધાનસભાની વીસાવદર અને કડી બેઠકની પેટાચૂંટણી પછી આજે મતગણતરી થઈ હતી જેમાં આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાનો વીસાવદરમાં વિજય થયો છે. મતગણતરીના 21 રાઉન્ડ પછી ગોપાલ ઇટાલિયાએ ભાજપના કિરીટ પટેલને 17554 મતથી પરાજય આપ્યો છે. ઇટાલિયાને 75,942 મત મળ્યા હતા જ્યારે કિરીટ પટેલને 58388 મત મળ્યા હતા. કૉંગ્રેસના નીતિન રાણપરિયા 5501 મત સાથે ત્રીજા ક્રમે રહ્યા છે.
કોણ છે ગોપાલ ઇટાલિયા?
ગોપાલ ઇટાલિયા પાટીદાર અનામત આંદોલનના નેતા હતા. ડિસેમ્બર 2020થી જાન્યુઆરી 2023 સુધી ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કન્વીનર હતા. જાન્યુઆરી 2017માં તે સરકારી કર્મચારી તરીકે સેવા આપતા હતા ત્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને ફોન કરીને ગુજરાતમાં દારૂબંધી નીતિના ખુલ્લેઆમ ઉલ્લંઘન અને જાહેર સેવકોની કથિત મિલીભગત અંગે ફરિયાદ કરી હતી. આ વાતચીતનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. માર્ચ 2017માં ઇટાલિયાએ ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંકવા અને ‘ભ્રષ્ટાચાર મુલતવી રાખો’ના નારા લગાવવા બદલ સમાચારમાં હતા.
2018થી 2020 દરમિયાન ગોપાલ ઇટાલિયા સામાજિક સંગઠન પાટીદાર અનામત આંદોલન સમિતિ (PAAS) સાથે સંકળાયેલા હતા. 2018માં તેમણે બંધારણ કાયદા વિશે જાગૃતિ લાવવા માટે કાયદા કથા નામની જાહેર સભાઓનું આયોજન કર્યું અને જૂન 2020માં ઇટાલિયા આમ આદમી પાર્ટી, ગુજરાત રાજ્ય ઉપાધ્યક્ષ તરીકે AAPમાં જોડાયા હતા. 12 ડિસેમ્બર 2020ના રોજ તેમને પાર્ટીના રાજ્ય પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.